"વધારે ઓવરસ્માર્ટ ન બનો": સુપ્રીમ કોર્ટમાં વકીલ પર ભડક્યા જસ્ટિસ સૂર્યકાંત, ₹1 લાખના દંડ સાથે અરજી ફગાવી
-
જજો વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી કરનારા વકીલને ફટકાર- "કાળા કોટનો દુરુપયોગ કરનારાઓ માટે કોર્ટના દરવાજા બંધ"
-
જજો વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી કરનારા વકીલને ફટકાર- "કાળા કોટનો દુરુપયોગ કરનારાઓ માટે કોર્ટના દરવાજા બંધ"
-
મધ્યપ્રદેશ બાર કાઉન્સિલ ચૂંટણી વિવાદમાં કોઈ જ રાહત નહીં- સીજેઆઈએ કહ્યું, "શું અત્યારે જ તમારી ધરપકડ ન કરવી જોઈએ?"
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં સોમવારે એક હાઈ-વોલ્ટેજ સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેંચે વકીલોની શિસ્તહીનતા સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. મધ્યપ્રદેશ સ્ટેટ બાર કાઉન્સિલની ચૂંટણીમાં અયોગ્યતાને પડકારતી અરજીઓની સુનાવણી કરી રહેલી બેંચ ત્યારે ભડકી ગઈ જ્યારે તેમના ધ્યાને આવ્યું કે એક અરજદાર વકીલે કોર્ટ દ્વારા રચાયેલી સમિતિ અને તેના અધ્યક્ષ નિવૃત્ત જસ્ટિસ સુધાંશુ ધૂલિયા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અત્યંત વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. કોર્ટે આ વકીલને કાયદો હાથમાં લેવા બદલ સખત ફટકાર લગાવી હતી.
સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતે આકરા શબ્દોમાં પૂછ્યું હતું કે, 'અમને આ અરજદારની વેબસાઈટ કે ફેસબુક પ્રોફાઇલ બતાવો. કેમ તેની સામે અત્યારે જ અદાલતની અવમાનનાની કાર્યવાહી શરૂ ન કરવી જોઈએ અને તેની ધરપકડ કેમ ન કરવી જોઈએ?' બેંચે ટિપ્પણી કરી હતી કે કેટલાક લોકો પોતાને બહુ હોશિયાર સમજે છે અને એવું માને છે કે કોર્ટને કંઈ ખબર જ નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જેઓ પોતાના કાળા કોટનો દુરુપયોગ કરે છે અને ન્યાયિક સમિતિના સભ્યોને બદનામ કરે છે, તેમના માટે કોર્ટના દરવાજા કાયમ માટે બંધ છે.
આ મામલે અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મીનાક્ષી અરોરાએ દલીલ કરી હતી કે વાંધાજનક ટિપ્પણી કરનાર વકીલ હવે આ અરજીનો હિસ્સો નથી. જોકે, સીજેઆઈએ આ દલીલને ફગાવતા કટાક્ષ કર્યો કે તે એટલા માટે અરજીમાંથી હટી ગયો છે કારણ કે તેને ખબર પડી ગઈ છે કે અમે તેને પકડી ચૂક્યા છીએ. અન્ય વકીલોએ પણ વિનંતી કરી હતી કે એક વ્યક્તિના વાંક બદલ અન્ય અરજદારોને રાહતથી વંચિત ન રાખવા જોઈએ, પરંતુ સુપ્રીમ કોર્ટે કોઈની પણ વાત માની નહોતી.
અંતે, સુપ્રીમ કોર્ટે આ આખી અરજીને ૧ લાખ રૂપિયાના દંડ સાથે ફગાવી દીધી હતી. જસ્ટિસ સૂર્યકાંતે તેને ‘લક્ઝરી લિટિગેશન’ ગણાવતા કહ્યું કે સિસ્ટમનો દુરુપયોગ કરનારાઓને કોઈ પણ પ્રકારની મુક્તિ આપવાનું કોઈ કારણ નથી. કોર્ટે કહ્યું કે જ્યારે સમિતિના સભ્યો વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, ત્યારે અરજદાર કોઈ પણ પ્રકારની ન્યાયિક રાહત મેળવવા માટે હકદાર રહેતો નથી. આ ચુકાદાથી સોશિયલ મીડિયા પર જજો વિરુદ્ધ નિવેદનબાજી કરનારા વકીલોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ન્યાયતંત્રની ગરિમા સાથે બાંધછોડ કરનારાઓને સુપ્રીમ કોર્ટ ક્યારેય માફ કરતી નથી. કોર્ટે વકીલોને મર્યાદામાં રહીને કાનૂની લડત લડવા અને કાળા કોટની ગરિમા જાળવી રાખવા કડક સૂચના આપી છે. આ ૧ લાખનો દંડ એવા તમામ લોકો માટે એક ચેતવણી સમાન છે જેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ન્યાયાધીશો અને ન્યાયિક પ્રક્રિયાને બદનામ કરવા માટે કરે છે.