આતંકવાદ પર રાજનાથ સિંહનો પ્રહાર: SCO બેઠકમાં પાકિસ્તાન-ચીનને આડકતરો ઈશારો, "આતંકવાદનો કોઈ ધર્મ કે દેશ હોતો નથી"
-
પહલગામ હુમલાનો ઉલ્લેખ કરી ભારતનું વલણ સ્પષ્ટ- સ્ટેટ સ્પોન્સર આતંક સામે બેવડા ધોરણો નહીં ચાલે; રક્ષામંત્રીની ગર્જના
-
SCO મંચ પરથી ભારતે રજૂ કર્યો ‘વ્યવસ્થિત વિશ્વ’ નો રોડમેપ- ‘ઓપરેશન સિંદૂર’ અને ઝીરો ટોલરન્સ નીતિનો પુનરોચ્ચાર
-
એકતરફીવાદ અને વિવાદોથી વૈશ્વિક સહમતી નબળી પડી- RATS ની ભૂમિકા પર ભાર; વસુધૈવ કુટુંબકમનો આપ્યો સંદેશ
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની મહત્વપૂર્ણ બેઠકમાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વૈશ્વિક સુરક્ષા અને આતંકવાદના મુદ્દે ભારતનું કડક વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે સભ્ય દેશોને સંબોધતા જણાવ્યું હતું કે, આજના સંઘર્ષમય સમયમાં આ સંગઠનની ભૂમિકા અત્યંત મહત્વની છે. રક્ષામંત્રીએ ચિંતા વ્યક્ત કરી હતી કે, જે ક્ષેત્ર ઐતિહાસિક વેપારી માર્ગો અને સાંસ્કૃતિક વારસાનું કેન્દ્ર રહ્યું છે, તે આજે ઉગ્રવાદ અને એકતરફીવાદને કારણે વૈશ્વિક સહમતી ગુમાવી રહ્યું છે. સતત ચાલી રહેલા યુદ્ધોથી થતું જાન-માલનું નુકસાન સમગ્ર વિશ્વ માટે આત્મમંથનનો વિષય છે.
આતંકવાદ પર પ્રહાર કરતા રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું કે, આતંકવાદનો કોઈ ધર્મ કે દેશ હોતો નથી. તાજેતરમાં થયેલા પહલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે, આવી કાયરતાપૂર્ણ ઘટનાઓ સાબિત કરે છે કે આતંકવાદ માટે કોઈ તર્ક કે બહાનું હોઈ શકે નહીં. તેમણે ભારતની 'ઝીરો ટોલરન્સ' નીતિ અને 'ઓપરેશન સિંદૂર' નો ઉલ્લેખ કરીને સ્પષ્ટ કર્યું કે, સ્ટેટ-સ્પોન્સર કે ક્રોસ-બોર્ડર આતંકવાદ સામે વિશ્વએ બેવડા ધોરણો ત્યાગવા પડશે. આતંકવાદ, ઉગ્રવાદ અને અલગતાવાદ આજે સૌથી મોટું વૈશ્વિક સંકટ છે અને તેની સામે કડક હાથે કામ લેવું અનિવાર્ય છે.
રાજનાથ સિંહે આ તબક્કે રિજનલ એન્ટી-ટેરર સ્ટ્રક્ચર (RATS) ની ભૂમિકાને બિરદાવી હતી અને સભ્ય દેશોને આતંકવાદ સામે સંયુક્ત મોરચો બનાવવા હાકલ કરી હતી. તેમણે જણાવ્યું કે ભારત માત્ર કોઈ નવા વૈશ્વિક ક્રમ (New World Order) માં જ નહીં, પરંતુ એક એવી દુનિયામાં માને છે જે વધુ વ્યવસ્થિત અને સુરક્ષિત હોય. રક્ષામંત્રીએ સ્પષ્ટ કર્યું કે વિશ્વમાં શાંતિ અને સ્થિરતા માત્ર પરસ્પર સંવાદ અને રાજદ્વારી પ્રયાસોથી જ લાવી શકાય છે, યુદ્ધ કે હિંસા ક્યારેય ઉકેલ હોઈ શકતા નથી.
વિશ્વને એક પરિવાર માનતા ભારતીય મૂલ્યો વિશે વાત કરતા તેમણે 'વસુધૈવ કુટુંબકમ' નો મંત્ર આપ્યો હતો. તેમણે કહ્યું કે આખી દુનિયા એક પરિવાર છે તેવા ભારતીય સંસ્કાર જ વિશ્વ શાંતિ માટેનો મુખ્ય પાયો બની શકે છે. સંરક્ષણ મંત્રીનું આ સંબોધન પાકિસ્તાન અને ચીન જેવા દેશો માટે એક મજબૂત સંદેશ માનવામાં આવી રહ્યો છે જેઓ આતંકવાદને પ્રોત્સાહન આપે છે અથવા સીમા વિવાદમાં એકતરફી વલણ અપનાવે છે.
ભારતની આ આક્રમક છતાં શાંતિપ્રિય રજૂઆતને SCO ના અન્ય દેશોએ પણ ગંભીરતાથી લીધી છે. રાજનાથ સિંહે અંતમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, સુરક્ષિત અને સમૃદ્ધ એશિયા માટે આતંકવાદના જળમૂળથી સફાયા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ભારત આ દિશામાં દરેક રચનાત્મક પ્રયાસોમાં સહભાગી થવા તૈયાર છે, પરંતુ પોતાની રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરશે નહીં.