સરકારી બેંક કર્મચારીઓ માટે ‘મોટા સમાચાર’: પગાર વધારા માટે 13માં દ્વિપક્ષીય કરારની તૈયારી શરૂ, નાણા મંત્રાલયે આપ્યા કડક આદેશ
-
1 નવેમ્બર 2027 થી અમલી બનશે નવું વેતન- 12 મહિનામાં પ્રક્રિયા પૂરી કરવા સૂચના; બેંકોના રેકોર્ડબ્રેક નફાનું મળશે ફળ
-
દર 5 વર્ષે થતા ફેરફારમાં આ વખતે થશે મોટો વધારો- નાણાકીય સેવા વિભાગે સમયમર્યાદા નક્કી કરી; NPA ઘટતા કર્મચારીઓની લોટરી લાગશે
-
પહેલા જેવો વિલંબ હવે નહીં ચાલે- મંત્રાલયે સ્પષ્ટ કર્યું: "આગામી ચૂકવવાપાત્ર તારીખથી જ લાભ મળવો જોઈએ"; બેંક સંઘો સાથે ટૂંક સમયમાં બેઠક
નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની બેંકોના લાખો કર્મચારીઓ અને અધિકારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય નાણા મંત્રાલયે તમામ જાહેર ક્ષેત્રની બેંકોને નિર્દેશ આપ્યો છે કે તેઓ આગામી 13માં દ્વિપક્ષીય વેતન કરાર માટેની વાટાઘાટો તાત્કાલિક શરૂ કરે અને તેને ઝડપથી પૂર્ણ કરે. આ વેતન સંશોધન 1 નવેમ્બર 2027 થી અમલી બનવાનું છે, પરંતુ અગાઉના કરારોમાં થતા વિલંબને ધ્યાને રાખીને આ વખતે સરકારે અગાઉથી જ પ્રક્રિયા શરૂ કરવાના આદેશ આપ્યા છે.
નાણાકીય સેવા વિભાગ (DFS) એ બેંકોના પ્રમુખોને મોકલેલા પત્રમાં સ્પષ્ટતા કરી છે કે વેતન વધારા અને નિયમોમાં ફેરફારની સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ 12 મહિનાની અંદર પૂર્ણ થઈ જવી જોઈએ. મંત્રાલયનો ઉદ્દેશ્ય એ છે કે જ્યારે નવો કરાર અમલી બને, ત્યારે કર્મચારીઓને તેના લાભો મળવામાં કોઈ વિલંબ ન થાય. સામાન્ય રીતે દર પાંચ વર્ષે ભારતીય બેંક સંઘ (IBA) અને કર્મચારી સંગઠનો વચ્ચે મંત્રણા કરીને વેતન નક્કી કરવામાં આવે છે.
બેંક કર્મચારીઓ માટે આ વખતે પગાર વધારાની આશા વધુ મજબૂત છે, કારણ કે જાહેર ક્ષેત્રની બેંકોએ છેલ્લા ત્રણ વર્ષમાં શાનદાર દેખાવ કર્યો છે. નાણાકીય વર્ષ 2023 માં 1.05 લાખ કરોડનો નફો 2025 માં વધીને 1.78 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. સાથોસાથ બેંકોનું શુદ્ધ NPA પણ ઘટીને 2.30 ટકાના નીચલા સ્તરે આવી ગયું છે. કર્મચારીઓની મહેનતના પરિણામે બેંકોની નાણાકીય તંદુરસ્તી સુધરી હોવાથી સરકાર આ વખતે વેતન વધારામાં ઉદાર વલણ અપનાવી શકે છે.