Loading Please Wait !!!
યુવકની છરીના ઘા ઝીકી કરપીણ હત્યા


=> 2024ના કેસમાં વોન્ટેડ બેલડીએ ખેલ્યો ખૂની ખેલ: એક આરોપી સકંજામાં, એકની શોધખોળ

=> દુષ્કર્મ કેસમાં સમાધાન નહિ કરતા ખાખડાબેલામાં

=> રાજકોટમાં વાહન સિઝિન્ગનો વ્યવસાય કરતા યુવકની હત્યાથી પરિવાર શોકમાં ગરકાવ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ જિલ્લાના પડધરીના ખાખડાબેલામાં રહેતા અને રાજકોટમાં વાહન લે-વેંચ અને સીઝરનો વ્યવસાય કરતા યુવકની ગઈકાલ રાત્રીના ખાખડાબેલા ગામ નજીક કાર આંતરી છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા નીપજાવવામાં આવતા ચકચાર મચી ગઈ છે હત્યાના બનાવને લઇ સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમ દોડી ગઈ હતી પ્રાથમિક તપાસમાં ખાખડાબેલામાં જ રહેતા ત્રણ શખ્સો વિરુદ્ધ અગાઉ 2024માં મૃતકે દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાવી હોય જેમાં બે આરોપીઓ વોન્ટેડ છે. આ આરોપીઓ દ્વારા વારંવાર કેસમાં સમાધાન કરવા કહ્યું હતું પરંતુ મૃતક સમાધાન ન કરતા તેનો ખાર રાખી ગત રાત્રે ખૂની ખેલ ખેલ્યો હોવાનું જાણવા મળ્યું છે ખાખડાબેલામાં જ રહેતા મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ નામના બે શખ્સોએ આ કૃત્ય આચર્યું હોય યશપાલસિંહને સકંજામાં લઇ મહેન્દ્રસિંહની શોધખોળ હાથ ધરી છે.

પડધરીના ખાખડાબેલા ગામે રહેતા અને રાજકોટમાં અયોધ્યા ચોક પાસે વાહન સીઝીંગનો વ્યવસાય કરનાર યુવરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા ઉ.40 નામના યુવાન પર બુધવારે રાત્રીના અજાણ્યા શખ્સોએ ખાખડાબેલા ગામ નજીક રોડ પર તેમની હેરિયર કાર પાસે છરીના આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. દરમિયાન ખાખડાબેલા ગામ નજીક રોડ પર એક વ્યક્તિ લોહીલુહાણ  હાલતમાં પડ્યો છે તેવી માહિતી પ્રાપ્ત થતા પડધરી પોલીસ મથકના પીઆઇ એમ.જી. ચૌહાણ સહિતનો સ્ટાફ તાકીદે પહોંચ્યો હતો. પોલીસે અહીં આવી જોતા યુવરાજસિંહનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ તેની  કાર નજીક પડ્યો હોય જેથી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો હત્યાના બનાવને લઈ પડધરી પોલીસ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

 પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, મૃતક યુવરાજસિંહે 2024માં પડધરી પોલીસ મથકમાં મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, યશપાલસિંહ રસિકસિંહ જાડેજા તથા અજયસિંહ વિરુદ્ધ દુષ્કર્મ- પોકસોની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી આ ગુનામાં હાલ અજયસિંહ જેલમાં છે જ્યારે મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ બંને ફરાર છે. ફરાર આરોપીઓ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ અવાર નવાર  યુવરાજસિંહને આ કેસમાં સમાધાન કરી લેવા માટે કહેતા હતા. પરંતુ યુવાન સમાધાન કરવા માટે તૈયાર ન હોય જેથી બાબતનો ખાર રાખી ગઈકાલ રાત્રીના બંનેએ યુવાનને છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ખાખડાબેલામાં જ રહેતા યશપાલસિંહને સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી છે જયારે મહેન્દ્રસિંહને ઝડપી લેવા માટે શોધખોળ શરૂ કરી છે.