રાજકોટના શિવરામસિંહ ચૂડાસમાએ WOW Awards Asia 2026માં ગોલ્ડ એવોર્ડ જીત્યો
‘બેસ્ટ મેલ એમસી ઓફ ધ યર વેડિંગ્સ’ એવોર્ડ મેળવનારા ગુજરાતના પ્રથમ એન્કર બન્યા
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના જાણીતા એન્કર અને સાંસ્કૃતિક દૂત શિવરામસિંહ ચૂડાસમાએ ગુજરાત માટે ગૌરવની ક્ષણ સર્જી છે. તેઓ WOW Awards Asia ૨૦૨૬માં 'બેસ્ટ મેલ એમસી ઓફ ધ યર વેડિંગ્સ' શ્રેણીમાં ગોલ્ડ એવોર્ડ મેળવનારા ગુજરાતના પ્રથમ એન્કર બન્યા છે. આ પ્રતિષ્ઠિત સન્માન મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલા સમારોહમાં એનાયત કરવામાં આવ્યું.
આ એવોર્ડ તેમને અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ સંજય અગ્રવાલના પુત્ર ધનંજય અને પુત્રવધૂ માનવીના ભવ્ય પાંચ દિવસીય લગ્નોત્સવના અદ્વિતીય સંચાલન બદલ મળ્યો છે. ગણેશ સ્થાપનથી લઈને લાગણીસભર મામેરું, ફુલેકાનો સાથવારો, ડાયરો, સંગીત, બારાત અને વરમાળા સુધી દરેક પ્રસંગને તેમણે પોતાની અસરકારક રજૂઆત, સાંસ્કૃતિક અભિવ્યક્તિ અને જીવંત સંવાદોથી યાદગાર બનાવ્યો. ખાસ કરીને દેશ-વિદેશથી આવેલા મહેમાનોને ગુજરાતી અને ભારતીય પરંપરાઓનું મહત્વ સરળ અને રસપ્રદ રીતે સમજાવવાની તેમની શૈલીને વિશેષ પ્રશંસા મળી.
અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ત્રણેય ભાષાઓ પર સમાન પકડ ધરાવતા શિવરામસિંહ પોતાની એન્કરિંગમાં સંસ્કૃતના શ્લોકો, સુભાષિતો અને ઉર્દૂની શેર-ઓ-શાયરીને સહજ રીતે ગૂંથીને એક અનોખો અનુભવ સર્જે છે, જેના કારણે તેઓ દેશના સૌથી બહુમુખી એન્કરોમાં સ્થાન ધરાવે છે.
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વ જેવા ઐતિહાસિક કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું છે. ઉપરાંત ચિત્રાંગદા સિંહ, અર્જુન કપૂર, વિક્રાંત મેસી, કરણ જોહર, તમન્ના ભાટિયા, રાજકુમાર રાવ, એચ.એચ. શ્રીજી હુઝૂર ડૉ. લક્ષ્યરાજસિંહજી મેવાડ અને સુનીલ શેટ્ટી સહિત અનેક જાણીતી હસ્તીઓ સાથે તેમણે મંચ શેર કર્યો છે. ૭૦મા ફિલ્મફેર એવોર્ડ્સ માટે ધ ટાઈમ્સ ગ્રુપ અને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (ગુજરાત સરકાર) વચ્ચે થયેલા એમઓયુ હસ્તાક્ષર સમારોહમાં પણ તેઓ અધિકૃત વોઇસ અને સંચાલક તરીકે જોડાયા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી તથા ઉપમુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાતા અનેક પ્રતિષ્ઠિત સરકારી અને સામાજિક કાર્યક્રમોના તેઓ નિયમિત સંચાલક રહ્યા છે. રાજકોટમાં રહીને રાષ્ટ્રીય સ્તરે આ સિદ્ધિ હાંસલ કરનાર શિવરામસિંહ ચૂડાસમા આજે સમગ્ર સૌરાષ્ટ્રના યુવા કલાકારો માટે પ્રેરણાસ્રોત બન્યા છે. તેમની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ ગુજરાતની સંસ્કૃતિ, ભાષા અને વેડિંગ એન્કરિંગને રાષ્ટ્રીય મંચ પર મળેલી એક ગૌરવપૂર્ણ ઓળખ છે.