જૂનાગઢમાં મહિલા કોંગ્રેસ દ્વારા ડુંગળી વિતરણ વિરોધ
-
સામાન્ય અને મધ્યમ વર્ગનું જીવવું મુશ્કેલ બન્યું
-
ડુંગળી અને રોજિંદી ચીજવસ્તુઓ મોંઘી થતાં રોષ
-
મહિલા કોંગ્રેસ પ્રમુખ હેમાબેન રૂપાલીયાનું નિવેદન
સિટી ન્યુઝ @ જૂનાગઢ
હાલના સમયમાં કુદકે ને ભૂસકે વધતી જતી અસહ્ય મોંઘવારી અને આસમાને પહોંચેલા ભાવવધારાના કારણે સામાન્ય તેમજ મધ્યમ વર્ગનું જીવવું મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને રોજિંદા આહારમાં વપરાતી ડુંગળીના ભાવમાં સતત થઈ રહેલા વધારાને લઈને જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દ્વારા અનોખો અને આક્રમક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યો હતો. મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારના લોકોને મોંઘા ભાવની ડુંગળી ખરીદવી ન પોષાતા મહિલા કોંગ્રેસ દ્વારા રસ્તા પર ઉતરીને સામાન્ય જનતાને ડુંગળીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સરકારની નિષ્ફળ નીતિઓ સામે વિરોધ વ્યક્ત કરાયો હતો.
દૈનિક જીવનમાં અતિ ઉપયોગી એવી તમામ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે લીલા શાકભાજી, રોજિંદો અનાજ, કરિયાણું, ખાદ્ય તેલ, દેશી ઘી, રાંધણ ગેસ સિલિન્ડર તેમજ વાહનોના ઈંધણ જેવા કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સામાન્ય સંજોગોમાં સોના જેવી કિંમતી વસ્તુઓની ખરીદી વગર માણસ ચલાવી શકે છે અને સોનું ન ખરીદે તો પણ જીવન ચાલી જાય છે, પરંતુ રોજિંદા ખોરાક અને ગરીબ પરિવારના આહારમાં અતિ મહત્વની ગણાતી વસ્તુઓ જ આટલી મોંઘી થઈ જતાં તે હવે સામાન્ય લોકોની થાળીમાંથી ગાયબ થઈ રહી છે.
સરકાર દ્વારા દર વર્ષે રજૂ કરવામાં આવતા બજેટની સીધી માઠી અને નકારાત્મક અસર સામાન્ય પરિવારના રસોડા પર પડી રહી છે. એક સમય એવો હતો કે જ્યારે પરિવારનો એક જ સભ્ય રોજીરોટી કમાતો હતો અને તેના આધારે આખો મોટો પરિવાર ખૂબ સુખેથી પોતાનું ગુજારાન ચલાવી શકતો હતો. તેનાથી વિપરીત વર્તમાન સમયમાં પરિવારના તમામ સભ્યો દિવસ-રાત મહેનત કરીને કમાતા હોવા છતાં પણ આ અસહ્ય મોંઘવારીમાં ઘરનું ચક્ર ચલાવવું કે રસોડાનું બજેટ જાળવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હેમાબેન રૂપાલીયાએ જણાવ્યું હતું કે આજે હું કોઈ એક રાજકીય નેતા તરીકે નહીં પરંતુ એક સામાન્ય ગૃહિણી તરીકે ખુલ્લેઆમ ઊભી રહીને સીધો સરકારને પ્રશ્ન પૂછું છું કે આ દેશમાં મોંઘવારીમાં ઘટાડો ક્યારે થશે? સોનાનો ભાવ પણ વધી ગયો છે પરંતુ સોનું ખરીદ્યા વગર ચલાવી શકાય, પણ જે દરરોજ જમવા માટે જોઈએ છે અને ગરીબ લોકો માટે જે કસ્તૂરી સમાન ગણાય છે તેવી ડુંગળી પણ આજે ગરીબોની થાળીમાંથી ગાયબ થઈ રહી છે, અને હરી ફરીને આ બજેટની તલવાર ગૃહિણીના રસોડા ઉપર જ કેમ ચલાવવામાં આવે છે.
વધતી રહેતી આ અસહ્ય મોંઘવારી પર અંકુશ મેળવવામાં અને પ્રજાને રાહત આપવામાં વર્તમાન સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોવાથી તેનો સખત વિરોધ દર્શાવી સરકાર પાસે તાત્કાલિક ધોરણે રાજીનામું આપવાની માંગ કરવામાં આવી છે. જો સરકાર દ્વારા ટૂંક સમયમાં યોગ્ય પગલાં ભરીને ભાવ નિયંત્રણમાં નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
મોંઘવારી વિરુદ્ધ જનઆક્રોશ અને વિરોધ પ્રદર્શન
જૂનાગઢમાં મહિલા કોંગ્રેસ દ્વારા ડુંગળીનું વિતરણ કરીને કરવામાં આવેલો આ અનોખો વિરોધ સામાન્ય જનતા અને ખાસ કરીને ગૃહિણીઓની વેદનાને વાચા આપે છે, જે મોંઘવારીના મુદ્દે સરકાર સામે વધતા જતા રોષને સ્પષ્ટપણે દર્શાવે છે.