Loading Please Wait !!!
વિજય રૂપાણી મેમોરીયલ અને IMAનું હેલ્થ માટે મોટું જનઆંદોલન !

  • વિજયભાઈની સ્મૃતિમાં ‘સેવાવર્ષ’ અંતર્ગત કિડની એવરનેસ
  • શ્રી પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે સાંજે 5 થી 7 વાગ્યે નિઃશુલ્ક પ્રવેશ
  • ડો. પ્રાંજલ મોદી અને ડો. સંજય પંડ્યા આપશે કિડની રોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન

સિટી ન્યૂઝ@રાજકોટ

ગુજરાતના લોકલાડીલા પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના અવસાનને ૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તેમની પાવન સ્મૃતિમાં સ્થાપિત 'શ્રી વિજય રૂપાણી મેમોરિયલ' દ્વારા સમગ્ર વર્ષને "સેવા વર્ષ - ૨૦૨૬" તરીકે ઉજવવાનો ઐતિહાસિક સંકલ્પ લેવાયો છે. સામાજિક ઉત્થાન અને આરોગ્યની સુખાકારીના આ સેવા વર્ષના પ્રથમ અને અત્યંત મહત્વપૂર્ણ કાર્યક્રમ તરીકે શ્રી વિજય રૂપાણી મેમોરિયલ તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજકોટ તથા સમગ્ર સૌરાષ્ટ્રના નાગરિકો માટે એક વિશાળ અને માર્ગદર્શક ‘કિડની અવેરનેસ સેમિનાર’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ આરોગ્ય જાગૃતિ માટેનું એક મોટું જનઆંદોલન બની રહેશે.

આ જનજાગૃતિ સેમિનાર આગામી ૧૩ જૂન ૨૦૨૬, શનિવારના રોજ સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી શ્રી પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ ખાતે યોજાશે. આજના આધુનિક અને દોડધામભર્યા સમયમાં અત્યંત ખરાબ થતી જતી જીવનશૈલી, જંકફૂડનો વધુ પડતો ઉપયોગ, તણાવ અને ડાયાબિટીસ તેમજ હાઈ બ્લડ પ્રેશરને કારણે કિડનીના ગંભીર રોગો અત્યંત ઝડપથી વધી રહ્યા છે. લોકો કિડની ફેલ્યોરના અંતિમ તબક્કે પહોંચે તે પહેલાં જ તેમને જાગૃત કરવાના ઉમદા હેતુથી આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે દેશના જાણીતા સર્જન અને કિડની આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાત ડો. પ્રાંજલ મોદી અને રાજકોટના પ્રખ્યાત કિડની રોગ નિષ્ણાત અને સમાજસેવી તબીબ ડો. સંજય પંડ્યા ખાસ ઉપસ્થિત રહેશે. તેઓ પ્રિવેન્ટિવ હેલ્થકેર (બીમારી પહેલાની સાવચેતી અને નિયમિત ચેકઅપ), ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની કિડની પર થતી ઘાતક અસરો, કિડની ટ્રાન્સપ્લાન્ટની આધુનિક પદ્ધતિઓ અને સમાજમાં ઓર્ગેન ડોનેશન (અંગદાન) નું સર્વોચ્ચ મહત્વ સમજાવશે. આ ઉપરાંત, દર્દીઓ અને તેમના પરિવારજનોના મૂંઝવતા પ્રશ્નોના સંતોષકારક જવાબો પણ નિષ્ણાતો દ્વારા સ્થળ પર જ આપવામાં આવશે.

આ ભવ્ય અને પ્રેરણાદાયક કાર્યક્રમનું ઉદઘાટન પુષ્ટિમાર્ગ વૈષ્ણવ સંપ્રદાય સંસ્થા (VYO) ના સંસ્થાપક પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહારાજના પાવન હસ્તે થશે, જેઓ ધાર્મિક મંચ પરથી સામાજિક સ્વાસ્થ્યનો સંદેશ આપશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને મુખ્ય મહેમાન તરીકે સાંસદ પરશોત્તમ રૂપાલા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય ભાનુ બાબરીયા, ઉદય કાનગડ, રમેશ ટીલાળા, ડો. દર્શિતા શાહ, ભાજપ પ્રમુખ માધવ દવે, મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષા વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષના નેતા હિરેન ખીમાણીયા અને દંડક સંજયસિંહ રાણા હાજરી આપશે. રાજકીય અને સામાજિક આગેવાનોની આ ઉપસ્થિતિ જનજાગૃતિના આ અભિયાનને વધુ બળ પૂરું પાડશે.

શ્રી વિજય રૂપાણી મેમોરિયલના ફાઉન્ડર ચેરપર્સન અંજલી રૂપાણીએ એક વિશેષ અપીલ કરતા જણાવ્યું છે કે, "સ્વ. વિજય રૂપાણીનું સમગ્ર જીવન અને તેમની રાજકીય સફર લોકોની નિસ્વાર્થ સેવા માટે સમર્પિત હતી. તેમના 'જ્યાં માનવી ત્યાં સુવિધા' ના વિચારને સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે જ આ સંસ્થા કાર્યરત છે. અમારો પ્રયાસ માત્ર સ્ટેજ પરથી કાર્યક્રમો કરવાનો નથી, પરંતુ સામાન્ય અને મધ્યમવર્ગીય લોકોના જીવનમાં આરોગ્યની દ્રષ્ટિએ હકારાત્મક પરિવર્તન લાવવાનો છે."

આ કાર્યક્રમમાં પ્રવેશ સંપૂર્ણપણે નિશુલ્ક રાખવામાં આવ્યો હોવાથી રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના સામાન્ય નાગરિકો, યુવાનો, સિનિયર સિટીઝન્સ અને ખાસ કરીને કિડનીના દર્દીઓને મોટી સંખ્યામાં લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સેવાકીય આયોજનને સફળ બનાવવા શ્રી પૂજિત વિજય રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ, શ્રી એચ. એન. શુક્લ ગ્રુપ ઓફ કોલેજીસ, ગુજરાત સ્કૂલ ઓફ એક્સલન્સ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ રિસર્ચ એન્ડ હોસ્પિટલ સહિતની સેવાભાવી સંસ્થાઓ ભારે જહેમત ઉઠાવી રહી છે.