Loading Please Wait !!!
રામાનંદી સાધુ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાશે

» વિવિધ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી મહિલાઓનું પણ થશે સન્માન

સિટી ન્યૂઝ@રાજકોટ

સમસ્ત રામાનંદી યુવા સમાજ રાજકોટ દ્વારા સમસ્ત રામાનંદી સાધુ સમાજના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી સત્કાર સમારોહ તેમજ નિશુલ્ક ફૂલસ્કેપ ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૧૪ જૂન, ૨૦૨૬ના રોજ બપોરે ૩:૩૦ કલાકે સેવા ભારતી ભવન, મધ્યસ્થ ખંડ (પ્રથમ માળ), અમૂલ સર્કલ પાસે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં સમસ્ત રામાનંદી સાધુ સમાજના રાજકોટમાં વસતા પરિવારોના ગત શૈક્ષણિક વર્ષમાં ધોરણ ૧થી ૧૨માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. ધોરણવાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનારા વિદ્યાર્થીઓનું જાહેર મંચ પરથી સન્માન કરવામાં આવશે.

આયોજકોના જણાવ્યા મુજબ, કાર્યક્રમ માટે નોંધણી કરાવનાર દરેક વિદ્યાર્થીને નિશુલ્ક અડધો ડઝન ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવશે. અંદાજે ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓને આ લાભ મળશે.

કાર્યક્રમ અંતર્ગત સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ ક્ષેત્રોમાં આગવું યોગદાન આપનાર ૧૦થી વધુ મહિલાઓનું પણ જાહેર સન્માન કરવામાં આવશે. સાથે જ સમાજમાં મહિલાઓની ભાગીદારી અને નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે વિશેષ ટીમની રચના કરવાની જાહેરાત પણ કરવામાં આવશે.

કાર્યક્રમમાં વિવિધ સંતો-મહંતો, રાજકીય આગેવાનો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજનોને માર્ગદર્શન આપશે.

કાર્યક્રમનું સંચાલન જાણીતા એન્કર હિરેનભાઈ રામાવત કરશે. કાર્યક્રમની વિવિધ વ્યવસ્થાઓ માટે ૧૦થી વધુ કમિટીઓની રચના કરવામાં આવી છે, જેના સંકલનની જવાબદારી હિતેશભાઈ રામાવત સંભાળી રહ્યા છે.

સમસ્ત રામાનંદી યુવા સમાજના પ્રમુખ રવિરાજભાઈ રામાવતે સમાજના તમામ સભ્યોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત રામાનંદી યુવા સમાજની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.