કોર્ટના આદેશો પર રાજકીય બ્રેક BAPS પાસે ગેરકાયદે સ્મારક યથાવત
- કાયદો V/S દબાણ: કાયદો માત્ર કાગળ પર, દબાણ જમીન પર રાજકોટનું તંત્ર બેફામ
- નેતાઓ મસ્ત રામ : કોર્ટના આદેશનું પણ માનતા નથી
- કાલાવડ રોડ મંદિરમાં સુપ્રિમ, હાઈકોર્ટનો કડક આદેશ: નેતાઓ અને તંત્ર મૌન
સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભાજપ શાસિત રાજકોટ મહાનગરપાલિકા (RMC) અને સત્તાના મદમાં રાચતા સત્તાધીશોની કાયદા વિરોધી તેમજ પ્રજા વિરોધી માનસિકતાનો સનસનીખેજ પર્દાફાશ કરાયો છે. કાયદો અને ભારતીય સંવિધાનને નેવે મૂકીને શાસકો સામાન્ય જનતાની સુવિધા ખુલ્લેઆમ છીનવી રહ્યા છે. રાજકોટના સૌથી વ્યસ્ત ગણાતા કાલાવડ રોડ પર ટીપી (TP) રોડની બરોબર વચ્ચે જ કોઈપણ સરકારી કે પોલીસ વિભાગની પૂર્વ મંજૂરી લીધા વિના એક ગેરકાયદેસર ધાર્મિક સ્મારક (શેડ) ઊભું કરી દેવામાં આવ્યું છે. આ દબાણના કારણે સ્થાનિક નાગરિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તંત્ર મુકપ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યું છે.
રાજકોટ સિટી કોંગ્રેસના ઉપપ્રમુખ અને પ્રવક્તા સંજય લાખાણી તથા મહામંત્રી અને પ્રવક્તા કૃષ્ણદત્ત રાવલ દ્વારા તંત્રની આ નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવાયું છે કે, કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિરની સામેના માર્ગ પર આ ગેરકાયદે દબાણ ખડકી દેવામાં આવ્યું છે. આ દબાણને કારણે આસપાસની સોસાયટીઓના આશરે ૫,૦૦૦ થી ૧૦,૦૦૦ જેટલા લોકોને પોતાના ઘરે આવવા-જવામાં ભારે તકલીફ પડી રહી છે. ટ્રાફિક અને રસ્તાની ગંભીર સમસ્યા સર્જાવા છતાં RMC ના અધિકારીઓ અને ભાજપના નેતાઓ આંખ આડા કાન કરી રહ્યા છે. પ્રજા ટ્રાફિક જામમાં પીસાઈ રહી છે અને ત્રસ્ત બનીને ત્રાહિમામ પોકારી ગઈ છે.
જાહેર માર્ગો પરના ધાર્મિક દબાણો હટાવવા માટે નામદાર સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો અંતર્ગત સ્પષ્ટ અને કડક આદેશો આપેલા છે. વર્ષ ૨૦૨૪ની શરૂઆતમાં જ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી. મયીએ ગેરકાયદેસર ધાર્મિક માળખાંઓ હટાવવાની ધીમી કામગીરી અંગે રાજ્ય સરકાર સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. જેના પરિણામ સ્વરૂપ જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં સરકારે ૪૮ જેટલા દબાણો હટાવ્યાનો અને ૪૬૮ નોટિસો આપ્યાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો છે. પરંતુ રાજકોટમાં આ નિયમો અને કોર્ટના આદેશો જાણે લાગુ જ ન પડતા હોય તેમ ખુલ્લેઆમ ન્યાયપાલિકાના આદેશોનો ઉલાળિયો થઈ રહ્યો છે.રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ઉગ્ર માંગ કરે છે કે સત્તાધીશો તાત્કાલિક પોતાનો 'મદ' છોડીને કાયદાનું પાલન કરે. જો વહેલી તકે આ ગેરકાયદેસર દબાણ હટાવીને ૫,૦૦૦ થી ૧૦,૦૦૦ નાગરિકોને ન્યાય નહીં આપવામાં આવે, તો કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી દિવસોમાં સ્થાનિક રહીશોને સાથે રાખીને ઉગ્ર અને જલદ આંદોલનના મંડાણ કરવામાં આવશે. આ આંદોલન દરમિયાન જો કોઈ પરિસ્થિતિ સર્જાશે. તો તેની સંપૂર્ણ જવાબદારી શાસકો અને તંત્રની રહેશે.
કાગળ પર આદેશો, જમીન પર શૂન્ય કામગીરી (ઘટનાક્રમ)
કોંગ્રેસ પક્ષ દ્વારા આ બાબતે વારંવાર લેખિત ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવી છે. સરકારી દસ્તાવેજો જ સાબિત કરે છે કે આ દબાણ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે: (૧) ગત તા. ૦૬/૦૯/૨૦૨૪ ના રોજ ખુદ કલેક્ટરે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને આ ધાર્મિક સંસ્થા દ્વારા કરાયેલું દબાણ હટાવવા સ્પષ્ટ સૂચના આપી હતી. (૨) ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનરે સિટી એન્જિનિયર (ટ્રાફિક, ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ સેલ) ને કાર્યવાહી કરવાનો આદેશ કર્યો. (૩) જેના અનુસંધાને સિટી એન્જિનિયર દ્વારા તા. ૧૧/૧૧/૨૦૨૪ ના રોજ (પત્ર નં. Rmc/0323 /2212028) કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે આવેલ 'સ્કલ્પચર' દુર કરવા બાબતે પત્ર લખવામાં આવ્યો હતો.
આટલા સ્પષ્ટ લેખિત આદેશો હોવા છતાં આજદિન સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. સૌથી આઘાતજનક બાબત એ છે કે, જ્યારે આ ગેરકાયદેસર દબાણ હટાવવા માટે તંત્ર દ્વારા મશીનરી અને સ્ટાફ તૈયાર કરીને ડિમોલિશનનો દિવસ નક્કી કરવામાં આવ્યો. ત્યારે છેલ્લી ઘડીએ કોઈ મોટા રાજકીય આગેવાનનો 'ફોન' આવી જતા સમગ્ર કામગીરી પડતી મૂકવામાં આવી હતી. આ ઘટના સ્પષ્ટ કરે છે કે RMC ના અધિકારીઓ કોઈ રાજકીય નેતાના ઈશારે કઠપૂતળી બનીને કામ કરી રહ્યા છે. વધુમાં, આ માટે પોલીસ કમિશનર કે જોઈન્ટ પોલીસ કમિશનરની કોઈ પૂર્વ મંજૂરી પણ લેવામાં આવી નથી. જો મંદિર પરિસરની બહાર આ રીતે રસ્તાની વચ્ચોવચ બાંધકામ થાય, તો લોકોએ ક્યાંથી પસાર થવું?