Loading Please Wait !!!
ટેનિસ ક્વીન વૈભવીનો શુટિંગમાં ધડાકો નેશનલમાં સિલ્વર જીતી ઈતિહાસ રચ્યો

  • ઉછીની પિસ્ટલથી ગુજરાતની પ્રથમ મહિલા શૂટર બની, હવે વર્લ્ડ ચેમ્પિયનશિપ પર નજર
  • દિલ્હીમાં નેશનલ રાઈફીલ એસો. સ્પર્ધામાં ચમકી હવે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે
  • રાજકોટની દીકરી વૈભવી ``દેશ ગર્વ અનુભવે''


સિટી ન્યૂઝ@રાજકોટ : લોન ટેનિસમાં નેશનલ ગોલ્ડ મેડલ, વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં લોન ટેનિસની રમતમાં ભારત દેશનું પ્રતિનિધીત્વ કરનાર વૈભવી ત્રિવેદીએ વધુ એક રમતમાં રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડી રાજકોટ તેમજ ગુજરાતનું નામ રોશન કર્યુ છે. અગાઉ આઇટીએફ માસ્ટર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમની કપ્તાન રહી ચૂકેલી વૈભવી ત્રિવેદીએ શૂંટિગની રમતમાં નશીબ અજમાવ્યું હતુ.

ત્રણ વર્ષની સખત પ્રેકટીશ તેમજ કોચ દ્વારા સચોટ માર્ગદર્શનથી તેની ગુજરાતનું પ્રતિનીધીત્વ કરવાની તક મળી. દિલ્હી ખાતે તાજેતરમાં નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા 24મી કુમાર સૂરેન્દ્રસિંહ મેમોરિયલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં 50મી. પિસ્ટલ શૂટિંગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. અત્યંત હરિફાઇભરી ઇવેન્ટમાં અંતિમ સ્થાન માટે ટાઇ બ્રેકની પરિસ્થિતી બની હતી. જેમાં હરિયાણા, ગુજરાત અને દિલ્હીની શૂટરને 600માંથી 540નો સમાન સ્કોર થયો હતો. ઇવેન્ટનું અંતિમ પરિણામ લાવવા નિયમોનુસાર ફરીથી ત્રણેય વચ્ચે ઇવેન્ટ કરવામાં આવી હતી. જેમાં વૈભવીએ 100માંથી 88નો સ્કોર કરી સિલ્વર મેડલ મેળવવામાં સફળતા મેળવી છે. મેડલ સાથે વૈભવી ગુજરાતની પ્રથમ મહિલા શૂટર બનવાનું પણ સન્માન મેળવ્યું છે. આ ઉપરાંત વૈભવીએ ગુજરાતના જ જિનેશ પટેલ સાથે 10મી. મિકસ ટીમ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જોકે, આ ઇવેન્ટના ફાઇનલમાં માત્ર 0.1 પોઇન્ટથી મેડલ ચૂકી ગયા હતા.

ટૂર્નામેન્ટ બાદ વૈભવી સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું કે, રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવ્યા બાદ હવે તે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સ્વ ખર્ચ હોવાને કારણે પડકારજનક સ્થિતી છે. પરંતુ મેં ઉછીની પિસ્ટલ મેળવી રાષ્ટ્રીય સ્પર્ધામાં જે રીતે મેડલ મેળવી સફળતા મેળવી છે. તે જોતા હું વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ સંઘર્ષ કરી દેશનું નામ રોશન થાય તેવા પ્રયાસો કરીશ. સ્પોર્ટસમાં લોન ટેનિસથી શરૂઆત કરનાર વૈભવીએ શૂંટિંગમાં પણ સિધ્ધિ મેળવી ખરા અર્થમાં એથ્લેટ સાબિત કરી બતાવ્યું છે.