હાથીધરાવાળી મેલડી માતાના મંદિરે ચોરી કરનાર તસ્કર ઝડપાયો
સિટી ન્યૂઝ@રાજકોટ : સોના-ચાંદીના વધતા ભાવો વચ્ચે રાજકોટ શહેરમાં મંદિરોમાંથી સોના-ચાંદીના છત્તર ચોરાવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે નંદા હોલ પાસે આવેલા વડલાવાળી હાથીધરાવાળી મેલડી માતાજીના મંદિરે થયેલી છત્તર ચોરીનો ભેદ ભક્તિનગર પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે. પોલીસે બાપુનગર વિસ્તારમાંથી ચોરીનો મુદ્દામાલ વેચવા નીકળેલા એક તસ્કરને ઝડપી પાડી 7200 રૂપિયાનો સામાન કબજે કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, કોઠારીયા મેઇન રોડ પર નંદા હોલ સામે યાદવનગર શેરી નંબર 1 માં રહેતા રણમલભાઈ ગોવિંદભાઈ બોરીચા (ઉ.વ. 42) એ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કર સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી અને સીસીટીવી ફૂટેજ પણ રજૂ કર્યા હતા.
પીઆઇ જયદીપસિંહ ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે. જે. ગોહિલની ટીમ તપાસમાં હતી, ત્યારે હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ માલકીયા અને કોન્સ્ટેબલ નિલેશભાઈ મિયાત્રાને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ મંદિરમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ વેચવા બાપુનગર શેરી નંબર 1 માં આંટાફેરા કરી રહ્યો છે.
પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને શંકાસ્પદ શખ્સની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રજની મનસુખભાઈ ટીલાવત (ઉ.વ. 42, રહે. જૂનું ગણેશનગર શેરી નંબર 10, કોઠારીયા ચોકડી) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી 6 ચાંદીના છત્તર, નાના-મોટા દિવેલીયા અને પીત્તળના હાથાવાળી સાંકળ સહિત કુલ 7200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીએ હાથીધરાવાળી મેલડી માતાના મંદિરમાં ચોરી કર્યાની કબૂલાત પણ આપી દીધી છે.