Loading Please Wait !!!
સોમનાથ મંદિરમાં નેતાઓની `સેલ્ફી સ્ટાઈલ' તસવીરો પર વિવાદ !

  • નિયમો માત્ર સામાન્ય જનતા માટે ? નેતાઓને છૂટછાટ
  • અત્યાર સુધી આવી તસ્વીર જોઈ છે સેલ્ફી વાળી પહેલીવાર દેખાઈ? કોની ભલામણ કામ કરી ગઈ?
  • મંદિરના નિયમો તૂટ્યા ? અનિરૂધ્ધ દવેની તસવીરની ચર્ચા ગરમ
  • ટ્રસ્ટના કડક નિયમો છતાંય એક ખાસ છૂટ ?
  • PM ના કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કરવા ગયા હતા અનિરુદ્ધ દવે
  • નેતાએ કહ્યું- નિર્ધારિત ફોટોગ્રાફરે જ તસવીર પાડી

સિટી ન્યૂઝ@ગીર સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ફોટોગ્રાફી પર કડક પ્રતિબંધ છે, પરંતુ રાજકીય નેતાઓ માટે જાણે તમામ નિયમો નેવે મૂકવામાં આવતા હોય તેવો વિવાદ સર્જાયો છે. સોમનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી કાર્યક્રમ પૂર્વે તૈયારીઓનું નિરીક્ષણ કરવા ગયેલા પ્રદેશ ભાજપ મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અનિરુદ્ધ દવેની એક 'સેલ્ફી સ્ટાઈલ' તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે.
સામાન્ય રીતે સોમનાથ મંદિરમાં સુરક્ષા કારણોસર મોબાઈલ લઈ જવા પર સખત પ્રતિબંધ છે. ટ્રસ્ટના કે સરકારી ફોટોગ્રાફર દ્વારા જ વીઆઈપી મહાનુભાવોની જલાભિષેક કે દર્શન કરતી (મહાદેવ તરફ મુખ હોય તેવી) તસવીરો લેવામાં આવે છે. પરંતુ, અનિરુદ્ધ દવેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જે તસવીર મૂકી છે, તેમાં તેઓ આરસના કઠોળા નજીક સેલ્ફી પોઝમાં કેમેરા સામે જોઈ રહ્યા છે. આ પ્રકારની તસવીર ખેંચવાની મંજૂરી કોણે આપી તેવા વેધક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

શું નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે?

સોશિયલ મીડિયા પર લોકો અન્ય મહાનુભાવોની દર્શન કરતી તસવીરો અને અનિરુદ્ધ દવેની આ સેલ્ફી સ્ટાઈલ તસવીરને સામસામે મૂકીને સવાલ ઉઠાવી રહ્યા છે કે મંદિરમાં અત્યાર સુધી માત્ર દર્શનની તસવીરો જ બહાર આવતી હતી, તો આ સેલ્ફી સ્ટાઈલ તસવીર પહેલીવાર કેમ દેખાઈ? કોની ભલામણ કામ કરી ગઈ? સામાન્ય નાગરિક ભૂલથી પણ મોબાઈલ કાઢે તો દંડાય છે અને સુરક્ષાકર્મીઓ તેને ધક્કા મારે છે, તો નેતાઓને આટલી વિશેષ છૂટછાટ કેમ? જો નિયમો સૌના માટે સમાન હોવા જોઈએ, તો વીઆઈપી કલ્ચરના નામે ધાર્મિક સ્થળોના નિયમોનો સરેઆમ ભંગ કરવો કેટલા અંશે વ્યાજબી છે? લોકોના મનમાં એવો રોષ ઉભો થયો છે કે મંદિરોમાં પણ સામાન્ય અને વીઆઈપી વચ્ચેનો ભેદભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. કાયદો અને નિયમ સૌના માટે સમાન હોવા જોઈએ તેવો આક્રોશ લોકો ઠાલવી રહ્યા છે.

ટ્રસ્ટે હાથ ઊંચા કર્યા, દવેનો બચાવ

આ વિવાદ અંગે સોમનાથ ટ્રસ્ટના સૂત્રોનો સંપર્ક કરતા તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, "અમે આવા પોઝ વાળા ફોટા પાડતા જ નથી." બીજી તરફ, જ્યારે પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવેનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે બચાવ કરતા કહ્યું હતું કે, "મંદિરમાં તૈયારીઓના નિરીક્ષણ વખતે નિર્ધારિત ફોટોગ્રાફરે જ આ તસવીરો પાડીને અમને આપી હતી, જે મેં ફેસબુક પર મૂકી છે." બંને પક્ષના અલગ-અલગ જવાબોથી આ મામલો વધુ ગૂંચવાયો છે.