‘બોલે તો વડાપાઉં’ ગ્રાહકે મંગાવેલ ઓનલાઈન ફૂડમાંથી ફૂગવાળું પાઉં નીકળ્યું
ગ્રાહકે સોશિયલ મીડિયામાં વીડિયો મૂકી ફૂગ દેખાડી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ નજીક આવેલા "બોલે તો વડાપાવ"માંથી સ્વિગી દ્વારા મંગાવવામાં આવેલા વડાપાવના પાર્સલમાં પાવ પર ફૂગ જોવા મળ્યાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાએ ગ્રાહકોના આરોગ્ય અને શહેરમાં વેચાતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
માહિતી મુજબ, તા. ૫ જુલાઈના રોજ સાંજના સમયે સ્વિગી મારફતે વડાપાવનો ઓનલાઈન ઓર્ડર કરવામાં આવ્યો હતો. પાર્સલ પ્રાપ્ત થયા બાદ ખાદ્યપદાર્થ ખોલીને જોતા પાવ પર સ્પષ્ટ રીતે ફૂગ જોવા મળી હતી. સમયસર આ બાબત ધ્યાનમાં આવતા ખાદ્યપદાર્થનો ઉપયોગ ટળી ગયો હતો.
આ ઘટનાના પગલે ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા અંગે અનેક સવાલો ઉભા થયા છે. ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે ચલાવવામાં આવતી ફૂડ સેફ્ટી ડ્રાઈવ અને ચેકિંગ અભિયાનની અસરકારકતા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. જો નિયમિત તપાસ થતી હોય તો આવી સ્થિતિ કેવી રીતે સર્જાઈ શકે તેવો પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે.
ખાદ્ય સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ બની શકે છે. તેથી સંબંધિત વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. ખાદ્યપદાર્થોના નમૂનાઓની તપાસ કરાવવામાં આવે તથા જો કોઈ પ્રકારની બેદરકારી કે નિયમોનો ભંગ સામે આવે તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ બાબત અંગે સંબંધિત સંસ્થાનો પક્ષ જાણવા માટે સંપર્ક કરવામાં આવે તો તેમની સ્પષ્ટતા પણ તપાસ પ્રક્રિયાના ભાગરૂપે મહત્વની બની રહેશે.