ગુજરાતની ગાયિકા સાંત્વની ત્રિવેદીને મળ્યો ઈન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ
- » આયુષ્માન ખુરાના, રકુલ પ્રીત, વામિકા ગબ્બી સહિતના સ્ટાર્સે રેડ કાર્પેટ પર વોક કર્યું
સિટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાતી સંગીત જગત અને કલાપ્રેમીઓ માટે વધુ એક ગર્વ લેવા જેવા સમાચાર સામે આવ્યા છે. પોતાની આગવી ગાયકી અને મધુર અવાજથી લાખો દિલો પર રાજ કરનારી ગુજરાતની લોકપ્રિય સિંગર અને પર્ફોર્મર સાંત્વની ત્રિવેદીને એક આંતરરાષ્ટ્રીય સ્તરના મંચ પર મોટી સિદ્ધિ હાંસલ થઈ છે. સાસણ ગીરના મનોહર વાતાવરણમાં યોજાયેલા પ્રતિષ્ઠિત ‘ઈન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ્સ ૨૦૨૬’ દરમિયાન સાંત્વની ત્રિવેદીને તેમની અપ્રતિમ કલા અને સંગીત ક્ષેત્રે આપેલા વિશિષ્ટ યોગદાન બદલ આ એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા છે.
કાર્યક્રમમાં બોલિવૂડના વર્સેટાઈલ એક્ટર આયુષ્માન ખુરાના, ગ્લેમરસ ગર્લ રકુલ પ્રીત સિંહ અને પ્રતિભાશાલી અભિનેત્રી વામિકા ગબ્બી સહિતના મોટા સ્ટાર્સે રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યા બાદ મીડિયા સાથે વાત કરતા સિંગર સાંત્વની ત્રિવેદી ખૂબ જ ઉત્સાહિત અને ભાવોદ્રેગમાં જોવા મળ્યા હતા.