સોશિયલ મીડિયાના મેસેજ ખોટા ૮ જૂનથી જ શાળાઓ શરૂ થશે
=> અફવાઓથી સાવધાન ! શિક્ષણ વિભાગે સ્પષ્ટ કહ્યું ૮ જૂનથી જ નવું સત્ર
સિટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાતની શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થવાના આરે છે. ત્યારે સોશિયલ મીડિયા પર શાળાઓ ખૂલવાની તારીખને લઈને અફવાઓનું બજાર ગરમ થયું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે વોટ્સએપ અને ફેસબુક પર એવા મેસેજ વાયરલ થઈ રહ્યા છે કે સરકારે વેકેશન લંબાવી દીધું છે અને હવે શાળાઓ ૧૮ જૂનથી શરૂ થશે, જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે અસમંજસ ઊભી થઈ છે.
શિક્ષણ વિભાગના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે સોશિયલ મીડિયામાં ફરતા થયેલા આ મેસેજ તદ્દન ખોટા છે. શિક્ષણ વિભાગના સત્તાવાર કેલેન્ડર મુજબ આગામી ૮ જૂનથી જ રાજ્યભરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવાનો છે.
રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને, શાળા સંચાલક મંડળ દ્વારા સરકાર સમક્ષ વેકેશન ૧૦ દિવસ લંબાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જોકે, વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે આ પ્રસ્તાવ હજુ પણ શિક્ષણ વિભાગ સમક્ષ માત્ર વિચારાધીન જ છે. સરકારે આ બાબતે હજુ સુધી કોઈ આખરી મહોર મારી નથી કે કોઈ જ સત્તાવાર જાહેરાત કરી નથી.
સરકારની સત્તાવાર જાહેરાત વિના ફેલાઈ રહેલા ખોટા અહેવાલોથી ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, જ્યાં સુધી કોઈ સત્તાવાર પરિપત્ર જાહેર ન થાય, ત્યાં સુધી ૮ જૂનથી જ સ્કૂલો શરૂ થશે તેમ જ માનવાનું રહેશે.