Loading Please Wait !!!
સોપારી, તમાકુ અને કાચા માલના ભાવ આસમાને પહોંચતા પાન-ફાકી મોંઘા થશે?

=> મોરબી બાદ રાજકોટમાં પણ નવા ભાવ જાહેર થવાની અટકળો

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

મોરબીમાં પાન-માવાના ભાવમાં કરવામાં આવેલા વધારા બાદ હવે રાજકોટમાં પણ પાન-મસાલાના ભાવ વધારાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. છેલ્લા કેટલાક મહિનાથી સોપારી, તમાકુ, કાથા, ચૂનો, મસાલા તેમજ અન્ય કાચા માલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી પાનના વેપારીઓનું ખર્ચનું ગણિત ખોરવાઈ ગયું છે.

મોરબીના વેપારીઓ દ્વારા ૧ જૂનથી નવા ભાવ અમલમાં મુકાયા બાદ રાજકોટના વેપારીઓ પણ ભાવવધારા અંગે વિચારણા કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ સોપારી અને તમાકુના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે પરિવહન ખર્ચ, દુકાનના ભાડા, વીજળી અને કર્મચારીઓના ખર્ચમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જૂના ભાવ પર વ્યવસાય ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે. જો કાચા માલના ભાવમાં ઘટાડો નહીં થાય તો રાજકોટમાં પણ પાન-માવાના દરમાં વધારો અનિવાર્ય બની શકે છે.

હાલ રાજકોટમાં માવા અને વિવિધ પ્રકારના પાનના ભાવ યથાવત્ છે, પરંતુ મોરબી બાદ હવે રાજકોટના બજારમાં પણ આ મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કેટલાક વેપારીઓનું માનવું છે કે જો ભાવવધારો કરવામાં નહીં આવે તો નફાકારક રીતે ધંધો ચલાવવો મુશ્કેલ બનશે. બીજી તરફ ગ્રાહકો મોંઘવારીના વધતા માર વચ્ચે પાન-માવાના ભાવ વધવાની સંભાવનાથી ચિંતિત બન્યા છે.

શહેરના પાનરસિકોમાં પણ આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. રોજિંદા પાન-માવાનું સેવન કરતા લોકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ છે અને હવે જો પાન-માવાના ભાવ પણ વધશે તો તેનો સીધો અસર ખિસ્સા પર પડશે.

મોરબીમાં 1 જૂનથી નવો ભાવ વધારો લાગુ
મોરબીમાં પાન, માવા અને મસાલાના શોખીનો માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી કોરા પાન, સોપારી, તમાકુ, અને પાનના મસાલા સહિતની તમામ ચીજવસ્તુઓમાં સતત ભાવ વધારો થઈ રહ્યો હતો. કાચા માલના વધતા ભાવોને કારણે પાનના રીટેઇલ વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને તેમના માટે ધંધો કરવો મુશ્કેલ બન્યો હતો. અંતે, મોરબીના સર્વે રીટેઇલ પાનવાળા વેપારી ભાઈઓના એસોસિએશન દ્વારા સર્વાનુમતે પાન અને માવાના ભાવમાં સામૂહિક વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. એસોસિએશન દ્વારા અલગ-અલગ આઇટમ પર રૂ. ૩ થી ૫ સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે, જે નવો ભાવ વધારો તારીખ ૧ જૂન ૨૦૨૬ થી અમલમાં આવી ગયો છે. એક તરફ સામાન્ય નાગરિકો પહેલાથી જ ઘરવખરીની ચીજોની મોંઘવારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે હવે રોજિંદી લત અને શોખ ગણાતા પાન-માવાના ભાવ વધતા મોરબીવાસીઓ પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. બીજી તરફ, વેપારીઓનું કહેવું છે કે જો ભાવ ન વધાર્યો હોત તો દુકાનો બંધ કરવાનો વારો આવે તેમ હતો.

પાન/માવાનો પ્રકાર – નવો ભાવ

♦ કપુરી/કાળી ચૂનો પણો કાચી પાન/માવો – રૂ. 20

♦ કપુરી/બંગલો/માવો – રૂ. 20

♦ ઝગલાન 138 પાન/માવો – રૂ. 25

♦ કપુરી મસાલા પાન માવો – રૂ. 25

♦ મીઠું સાદુ પાન – રૂ. 30

♦ 300 પાન/માવો – રૂ. 30

♦ 120 પાન/માવો – રૂ. 35

♦ મીઠું મસાલા પાન – રૂ. 35