મનપામાં 35 દિવસમાં રેકોર્ડબ્રેક .124.18 કરોડનો વેરો જમા
- 202078 કરદાતાઓએ એડવાન્સ વેરો ભરીને 14.87 કરોડનું વળતર મેળવ્યું
- ગત વર્ષની સરખામણીમાં મનપાની આવકમાં 12.84 કરોડનો નોંધપાત્ર ઉછાળો
સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 ના મિલકતવેરા અને પાણી વેરાની વસૂલાત 7 એપ્રિલ 2026 થી શરૂ કરવામાં આવી છે. એડવાન્સ વેરા વળતર યોજનાને શહેરીજનો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. માત્ર 35 દિવસમાં (12 મે સુધી) કુલ 202078 જાગૃત કરદાતાઓએ 124.18 કરોડ રૂપિયાનો વેરો ભરપાઈ કરી દીધો છે. આજે લોકો ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે. કુલ વસૂલાત પૈકી 152285 કરદાતાઓએ ઓનલાઇન માધ્યમ પસંદ કરીને ઘરે બેઠા 89.98 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. જ્યારે 49793 કરદાતાઓએ રૂબરૂ જઈને ચેક કે રોકડા મારફતે 33.18 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે. સમયસર વેરો ભરનારા આ તમામ પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહન સ્વરૂપે મહાનગરપાલિકા દ્વારા કુલ 14.87 કરોડ રૂપિયાનું માતબર ડિસ્કાઉન્ટ (વળતર) આપવામાં આવ્યું છે. ગત વર્ષની કામગીરી સાથે તુલના કરીએ તો, વર્ષ 2025-26 દરમિયાન 12 મે 2025 સુધીમાં 111.34 કરોડ રૂપિયાની વસૂલાત થઈ હતી. જેની સામે ચાલુ વર્ષે સમાન સમયગાળામાં 124.18 કરોડ રૂપિયાની વસૂલાત થઈ છે. આ આંકડાઓ સ્પષ્ટપણે ગત વર્ષની સરખામણીએ 12.84 કરોડ રૂપિયાનો સીધો અને નોંધપાત્ર વધારો દર્શાવે છે.
31 મે સુધી મહિલાઓને 15 અને સામાન્યને 10 ટકા વળતર
મનપાની આ એડવાન્સ વેરા વળતર યોજના હેઠળ આગામી 31 મે 2026 સુધી સામાન્ય કરદાતાઓને 10 ટકા અને મહિલા મિલકતધારકોને 15 ટકા વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ત્યારબાદ 1 જૂન 2026 થી 30 જૂન 2026 સુધીના બીજા તબક્કામાં વળતરના દરમાં ઘટાડો થશે, જેમાં મહિલાઓ માટે 10 ટકા અને સામાન્ય કરદાતાઓ માટે 5 ટકા ડિસ્કાઉન્ટનો લાભ મળશે. મહાનગરપાલિકાએ તમામ મિલકતધારકોને સમયમર્યાદા પહેલા આ યોજનાનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે.