સોમનાથ, અંબાજી, દ્વારકાના સર્કિટ હાઉસ ખાનગી કંપનીને સોંપાયા
ખાનગીકરણ; ત્રણેય સર્કિટ હાઉસ મેકવે મેનેજમેન્ટને સોંપવામાં આવ્યા
-
75% રૂમનું ભાડું ખાનગી પાર્ટી નક્કી કરશે
-
25% રૂમ સરકારી નિયત દરે ઉપલબ્ધ કરાવવાના રહેશે
-
સરકારને વર્ષે 1.43 કરોડની આવક થશે
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
ગુજરાતના ત્રણ મહત્વના યાત્રાધામો સોમનાથ, અંબાજી અને દ્વારકામાં આવેલા સરકારી સર્કિટ હાઉસ હવે ખાનગી સંચાલન હેઠળ ચાલી રહ્યા છે. રાજ્ય સરકારે આ ત્રણેય સર્કિટ હાઉસ ખાનગી કંપનીને ભાડે આપ્યા છે, જેના બદલામાં સરકારને વાર્ષિક કુલ ૧૪૩.૨૮ લાખ રૂપિયાની આવક થઈ રહી છે.આ માહિતી બુધવારે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં સામે આવી હતી.સરકાર દ્વારા કરવામાં આવેલા ઠરાવ મુજબ ખાનગી સંચાલકે ત્રણેય સર્કિટ હાઉસના ૭૫ ટકા રૂમનું ભાડું પોતાની રીતે નક્કી કરવાની છૂટ આપવામાં આવી છે, જ્યારે બાકીના ૨૫ ટકા રૂમ સરકારી નિયત દરે ઉપલબ્ધ કરાવવાના રહેશે.સરકારી માહિતી મુજબ આ ત્રણેય સર્કિટ હાઉસને ખાનગી સંચાલન માટે આપવાનો નિર્ણય હાલ પ્રાયોગિક ધોરણે (Pilot Basis)
લેવામાં આવ્યો છે.
૩૧ જુલાઈ ૨૦૨૬ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન આ ત્રણેય સરકિટ હાઉસ ખાનગી પાર્ટીઓને સંચાલન માટે સોંપવામાં આવ્યા છે.વિધાનસભામાં અપાયેલા લેખિત જવાબમાં સરકારે જણાવ્યું હતું કે રાજ્યના મહત્વના સ્થળોએ આવેલા સર્કિટ હાઉસના સંચાલનમાં સતત સુધારો લાવવા માટે ખાનગી ક્ષેત્રની કુશળતા, અનુભવ અને નિષ્ણાતોની મદદ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.સરકારનો દાવો છે કે આ વ્યવસ્થાથી મુલાકાતીઓને વધુ સારી આતિથ્ય સેવાઓ મળી શકે અને સરકારી ગૂડીનો ઉપયોગ અન્ય પ્રાથમિકતાવાળા વિકાસ કાર્યોમાટે કરી શકાય.મળતી માહિતી મુજબ સોમનાથ, અંબાજી અને દ્વારકાના ત્રણેય સર્કિટ હાઉસ એક જ ખાનગી કંપની મેકવે મેનેજમેન્ટને સોંપવામાં આવ્યા છે. આ કંપની બિલાયા ગ્રુપ સાથે સંકળાયેલી હોવાનું જણાવાયું છે.
કંપનીના ભાગીદારો તરીકે વિજય ચૌધરી અને વિપુલ ચૌધરીના નામ સામે આવ્યા છે.ગાંધીનગરનું પવિત્રાશ્રમ પણ આ જ પાર્ટીને સંચાલન માટે આપવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. અગાઉ પવિત્રાશ્રમના ૨૫ ટકા રૂમ સરકાર પોતાના નિયંત્રણમાં રાખતી હતી, પરંતુ હવે આ રૂમનું સંચાલન પણ ખાનગી પાર્ટીને સોંપવામાં આવ્યું છે.આ સમગ્ર મામલે એક વધુ ચર્ચાસ્પદ દાવો પણ સામે આવ્યો છે. મટી માહિતી મુજબ પાલનપુરમાં બ્રિજ ધરાશાયી થવાની ઘટનાના સંદર્ભમાં આ ગ્રુપને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ દાવા અંગે સત્તાવાર સ્થિતિ અને સંબંધિત કાર્યવાહી અંગે સ્પષ્ટ માહિતી અલગથી સામે આપવાની બાકી છે.ખાનગી સંચાલનથી સરકારી સુવિધાઓની ગુણવત્તા સુધરશે કે નહીં અને મુલાકાતીઓને તેનો કેટલો લાભ મળશે, તે હવે આગામી સમયમાં સ્પષ્ટ થશે.