Loading Please Wait !!!
સુરત પોલીસે વેપારીને રોકડ પરત અપાવી

 

  • ₹1,87,000 ભરેલી બેગ રિક્ષામાં રહી ગઈ હતી

  • CCTV ફૂટેજની મદદથી પોલીસે રિક્ષા ટ્રેસ કરી

  • ડુમસ પહોંચતા રિક્ષાચાલકને બેગ મળી આવી હતી

સિટી ન્યુઝ @ સુરત

સુરતમાં ખરીદી કરવા આવતા વેપારીઓ માટે સુરત પોલીસ ફરી એકવાર દેવદૂત સાબિત થઈ છે. બહારગામથી સાડીઓની ખરીદી કરવા સુરત પહોંચેલા એક વેપારીની રોકડા ₹1,87,000 ભરેલી બેગ ઓટોરિક્ષામાં ભૂલાઈ જતાં વેપારીના જીવ અધ્ધર થઈ ગયા હતા. જો કે, વરાછા પોલીસે સમય સૂચકતા વાપરી અલગ-અલગ CCTV કેમેરા ચેક કરી ગણતરીના કલાકોમાં જ રિક્ષાચાલકને શોધી કાઢી સમગ્ર રકમ વેપારીને હેમખેમ પરત અપાવી છે. ખાખી વર્દીની ત્વરિત કામગીરી અને રિક્ષાચાલકની ઈમાનદારી જોઈ વેપારી ભાવવિભોર થઈ ગયા હતા.

મૂળ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ગોગુંદા થાણા વિસ્તારના વતની અને હાલ મહેસાણામાં શિવશક્તિ પેલેસના નામે સાડીનો વ્યવસાય કરતા પુરણસિંગ મનોહરસિંગ સિસોદીયા 7 સપ્ટેમ્બરના રોજ સુરતમાં સાડીનો માલ ખરીદવા આવ્યા હતા. તેઓ સરદાર માર્કેટથી ઓટોરિક્ષા ભાડે કરી બોમ્બે માર્કેટ ગેટ નં-4 પાસે ઉતર્યા હતા. ઉતાવળમાં તેઓ પોતાની બેગ રિક્ષામાં જ ભૂલી ગયા હતા. આ બેગમાં હિસાબ-કિતાબની ચોપડી, કપડાં અને રોકડા ₹1,87,000 રાખેલા હતા.

બેગ ન મળતાં વેપારી દોડતા વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને વરાછા PI એ.આર.વાળા સમક્ષ આપવીતી રજૂ કરી હતી. પોલીસે તાત્કાલિક મામલાની ગંભીરતા સમજી સર્વેલન્સ ટીમને કામે લગાડી હતી. સર્વેલન્સ સ્ટાફના PSI વી.ડી.માળી સહિતની ટીમે બોમ્બે માર્કેટ આસપાસના તેમજ રસ્તાના અલગ-અલગ CCTV કેમેરા ચેક કરી ગણતરીના સમયમાં ઓટોરિક્ષાની ઓળખ કરી લીધી હતી.

પોલીસે રિક્ષાચાલક સુનિલ શ્રીપાલ બગેલનો સંપર્ક કરી તેને પોલીસ મથકે બોલાવ્યો હતો. રિક્ષાચાલકે જણાવ્યું હતું કે, પેસેન્જર ઉતાર્યાં બાદ ડુમસ પહોંચ્યા પછી પાછળ નજર કરતાં કોઈ મુસાફરની બેગ રહી ગઈ હોવાનું ધ્યાને આવ્યું હતું, જેથી તેમણે બેગ સહી-સલામત પોતાની પાસે જ રાખી મૂકી હતી. રિક્ષાચાલકે પોલીસ સ્ટેશનમાં વેપારીની રોકડ રકમ અને સામાન ભરેલી બેગ સુપરત કરી હતી.

પોતાની મહેનતની પૂરેપૂરી રકમ સુરક્ષિત પરત મળતાં વેપારી પુરણસિંગની આંખો હર્ષથી છલકાઈ ગઈ હતી અને તેમણે વરાછા પોલીસ સ્ટાફ તેમજ રિક્ષાચાલક સુનિલની પ્રામાણિકતાની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટનાથી પોલીસ પ્રત્યેનો જનમાનસમાં વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

પોલીસ અને રિક્ષાચાલક બન્યા દેવદૂત

મહેસાણાથી સાડી ખરીદવા આવેલા વેપારીની રૂ. ૧,૮૭,૦૦૦ ભરેલી બેગ રિક્ષામાં છૂટી જતાં મોટું નુકસાન થવાની આશંકા હતી. પરંતુ વરાછા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કલાકોમાં જ રિક્ષાચાલકને શોધી કાઢ્યો હતો. રિક્ષાચાલકે પણ ઈમાનદારી દાખવી બેગ સુરક્ષિત પરત કરતા વેપારીની ખુશીનો પાર ન રહ્યો અને સુરત પોલીસની કામગીરીની ચારેયકોર પ્રશંસા થઈ રહી છે.