સાવલીની કંપનીમાં 95.65 લાખનું કૌભાંડ
-
મીના સર્કિટ કંપનીમાં આચરવામાં આવ્યું કૌભાંડ
-
ખોટા વાઉચરો બનાવી રોકડા રૂપિયા મેળવ્યા
-
વર્ષ 2024થી 2026 દરમિયાન કરી ઉચાપત
સિટી ન્યુઝ @ વડોદરા
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વડદલા ગામમાં મીના સર્કિટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં નાણાકીય ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. જ્યાં કંપનીના જ પૂર્વ આસિસ્ટન્ટ મેનેજરે રૂપિયા 95.65 લાખની ઉચાપત કરી હોવાની વિગતો બહાર આવી છે. આ મામલે સાવલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સાવલીના વડદલા ગામમાં મીના સર્કિટ પ્રા.લિ. કંપનીમાં અગાઉ આસિસ્ટન્ટ મેનેજર-એકાઉન્ટ્સ તરીકે ફરજ બજાવતા અલ્પેશકુમાર ચંદ્રકાન્ત પટેલ નામના વ્યક્તિએ આ કૌભાંડ આચર્યું છે. આ આરોપીએ કંપનીમાં વર્ષ 2024થી વર્ષ 2026ના સમયગાળા દરમિયાન વિશ્વાસઘાત કર્યો હતો.
આ સમયગાળા દરમિયાન આરોપીએ કંપનીના બેંક એકાઉન્ટમાંથી પોતાના તેમજ તેની પત્ની બિના અલ્પેશભાઈ પટેલ તથા અન્ય બે એકાઉન્ટમાં ₹ 89,17,826 ટ્રાન્સફર કર્યાં હતા. આ ઉપરાંત, ટ્રાવેલિંગ એક્સપેન્સીસ પેટે ₹ 1,54,559 તેમજ ખોટા વાઉચરો બનાવી રોકડા ₹ 7,43,451 પણ મેળવ્યા હતા.
આ રીતે કુલ ₹ 98,15,836 રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી. તેમાંથી તેણે ₹ 2,50,000ની રકમ કંપનીના યસ બેંકના એકાઉન્ટમાં જમા કરાવી હતી. એ સાથે જ ₹ 95,65,836ની રકમની આખરી ઉચાપત થયાનું નોંધાયું છે.
કંપનીના એકાઉન્ટન્ટ તરીકેની ફરજ દરમિયાન આરોપીને સોંપવામાં આવેલી જવાબદારીનો ભંગ કરવામાં આવ્યો છે. તેણે ઉપરોક્ત રકમના નાણા પોતાના તથા અન્ય બીજા ખાતાઓમાં ટ્રાન્સફર કરી અંગત ફાયદા માટે ઉપયોગમાં લીધા હતા અને કાયદેસરનો ગુનો આચર્યો છે.
વિશ્વાસઘાતનું મોટું કૌભાંડ
વડદલા ગામની મીના સર્કિટ કંપનીમાં પૂર્વ આસિસ્ટન્ટ મેનેજરે પોતાની સત્તાનો દુરુપયોગ કરી કંપનીના ખાતામાંથી લાખો રૂપિયા પોતાના અને પત્નીના ખાતામાં સેરવી લીધા હતા. ખોટા વાઉચરો અને ગેરરીતિ આચરીને કંપનીને લાંબા સમય સુધી ચૂનો લગાવનાર આ આરોપી વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.