Loading Please Wait !!!
અમદાવાદ એક્સપ્રેસ-વે ટોલ પ્લાઝા પરથી ₹25.30 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું: ઇન્દોરનો પેડલર જેલહવાલે

 

  • રામોલ પોલીસે બાતમી આધારે નડિયાદ તરફથી આવતી લક્ઝરી બસ રોકી કંડક્ટર સીટ પાછળથી આરોપીને પકડ્યો

  • આરોપી રિઝવાન પાસેથી બે પાર્સલમાં રાખેલું કુલ 843 ગ્રામ 610 મિલિગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત

  • ઇન્દોરના શાનુ પઠાણે મોકલેલો જથ્થો અમદાવાદના રિયાઝઅલી ઉર્ફે 'પટેલ'ને પહોંચાડવાનો હતો

સિટી ન્યુઝ @ અમદાવાદ

અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં આવેલા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે ટોલ પ્લાઝા નજીકથી રામોલ પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને ₹25.30 લાખથી વધુની કિંમતનું 843 ગ્રામ એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. મધ્યપ્રદેશના ઇન્દોરથી ખાનગી લક્ઝરી બસમાં સવાર થઈને આવેલા 24 વર્ષીય કેરિયર રિઝવાન મન્સૂરીને પોલીસે નશાના મોટા જથ્થા સાથે રંગેહાથ દબોચી લીધો છે.

રામોલ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ નડિયાદ તરફથી આવતી ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં માદક પદાર્થ લઈને આવી રહ્યો છે. બાતમીના આધારે ટોલ નાકા પાસે વોચ ગોઠવી શંકાસ્પદ બસને અટકાવી તલાશી લેવાતાં કંડક્ટર સીટ પાછળ સોફા પર બેઠેલા રિઝવાન ઉર્ફે રિજુ મોહંમદ ફારૂક મન્સૂરી (રહે. ચંદન નગર, ઇન્દોર) ની શંકાસ્પદ હિલચાલ જણાઈ હતી. તેની પાસે રહેલા બે અલગ-અલગ પાર્સલની ચકાસણી કરતાં તેમાંથી અનુક્રમે 397 ગ્રામ અને 446 ગ્રામ મળીને કુલ 843.61 ગ્રામ ઉચ્ચ ગુણવત્તાનું MD ડ્રગ્સ મળી આવ્યું હતું.

પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ માદક પદાર્થનો જથ્થો ઇન્દોરના શાનુ પઠાણે મોકલ્યો હતો અને અમદાવાદ ખાતે રિયાઝઅલી નામના શખ્સને ડિલિવરી કરવાનો હતો. પોલીસ ટ્રેકિંગ અને સર્વેલન્સથી બચવા માટે આરોપીઓ સામાન્ય ફોન કોલ કે વોટ્સએપના બદલે 'ZANGI' નામની એન્ક્રિપ્ટેડ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા, જેમાં રિયાઝઅલીનું નામ 'patel' તરીકે સેવ હતું. આરોપી રિઝવાનને આ એક ટ્રીપના માત્ર ₹6,000 મળવાના હતા. પોલીસે ડ્રગ્સ અને મોબાઇલ સહિત ₹25.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રગ્સ મોકલનાર તેમજ મંગાવનાર સહિતના નેટવર્ક વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ એક્સપ્રેસ-વે પરથી ₹25.30 લાખનું ડ્રગ્સ પકડાયું

અમદાવાદના રામોલ ટોલ પ્લાઝા નજીક લક્ઝરી બસમાંથી રામોલ પોલીસે ઇન્દોરના રિઝવાન મન્સૂરીને 843 ગ્રામ એમડી ડ્રગ્સ (કિંમત ₹25.30 લાખ) સાથે ઝડપી પાડ્યો છે. માત્ર ₹6,000 ના કમિશન માટે ઇન્દોરના શાનુ પઠાણ પાસેથી અમદાવાદના રિયાઝઅલીને આ જથ્થો પહોંચાડવાનો હતો. ટ્રેકિંગથી બચવા આરોપીઓ 'ZANGI' એપ વાપરતા હોવાનું સામે આવ્યું છે.