Loading Please Wait !!!
રાજકોટ કોર્ટમાં 20 જૂને વકીલો માટે મેડિકલ કેમ્પનું આયોજન

=> દિલિપ પટેલના માર્ગદર્શન હેઠળ વકીલોના સ્વાસ્થ્ય માટે વિશેષ પહેલ: ખ્યાતનામ નિષ્ણાતો દ્વારા વકીલો, જ્યુડિશિયલ ઓફિસરો અને સ્ટાફનું કરાશે નિદાન

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ બાર એસોસિએશન, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સભ્ય દિલિપ પટેલના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્રના વકીલ મંડળના ઇતિહાસમાં સૌપ્રથમવાર એક નિઃશુલ્ક મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ આગામી ૨૦ જૂન ૨૦૨૬, શનિવારના રોજ સવારે ૯:૩૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગના પ્રથમ માળે આવેલા રાજકોટ બાર એસોસિએશનના બાર રૂમમાં યોજાશે. આ મેડિકલ કેમ્પ ખાસ કરીને રાજકોટના તમામ વકીલો, જ્યુડિશિયલ ઓફિસરો અને કોર્ટના સ્ટાફ માટે આયોજિત કરવામાં આવ્યો છે. વકીલાતના વ્યવસાયમાં સતત માનસિક અને શારીરિક તણાવ વચ્ચે કામ કરતા લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને આ સુંદર પહેલ કરવામાં આવી છે.

અદાલતના પરિસરમાં જ આટલા મોટા પાયે નિષ્ણાત તબીબો દ્વારા તપાસ કરવામાં આવતી હોય તેવી આ પ્રથમ ઘટના હોવાથી વકીલોમાં ભારે ઉત્સાહ છે. આ કેમ્પમાં એમડી મેડિસિન, ગેસ્ટ્રોલોજીસ્ટ, જનરલ સર્જન, સાયકિયાટ્રિસ્ટ, ગાયનેકોલોજીસ્ટ, ડર્મેટોલોજીસ્ટ, ડેન્ટિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ અને આંખના નિષ્ણાત સહિતના ખ્યાતનામ તબીબો પોતાની નિસ્વાર્થ સેવાઓ આપશે. આ તમામ નિષ્ણાતોની એકસાથે સેવાઓનો લાભ લેવા માટે અગાઉથી ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, જેના માટે લાયબ્રેરીમાં તુષાર ચૌહાણનો રૂબરૂ સંપર્ક કરીને નામ નોંધાવી શકાશે.