રામ મંદિરના નામે મહાકૌભાંડ 1.73 કરોડની જમીન 29.67 કરોડમાં ખરીદાઈ !
- રામ મંદિર જમીન કૌભાંડનો ધડાકો: સંજયસિંહ પાસે 11 સોદાના પુરાવા, SIT પાસે સમય માંગ્યો
- SIT અધ્યક્ષને ઈ-મેઈલ કર્યો: ગેરરીતિઓનો પર્દાફાશ કરવા વધારાના પુરાવાઓ મારી પાસે: સંજયસિંહ
સીટી ન્યૂઝ@નવી દિલ્હી
અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના નિર્માણ અને જમીન ખરીદીને લઈને ફરી એકવાર વિવાદનો મધપૂડો છેડાયો છે. આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ સંજય સિંહે રામ મંદિરના નામે મોટું જમીન કૌભાંડ થયું હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. આ મામલે તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના અધ્યક્ષને તેમણે સત્તાવાર ઈમેલ મોકલીને આ કૌભાંડના નક્કર પુરાવાઓ સોંપવા માટે મુલાકાતનો સમય માંગ્યો છે, જેના કારણે રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. સંજય સિંહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ અંગે ખુલાસો કરતા ચોંકાવનારી વિગતો શેર કરી છે. તેમણે સીધો આરોપ લગાવ્યો છે કે રામ મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા યંતત આયે માત્ર ૧ કરોડ ૭૩ લાખ રૂપિયાની કિંમતની જમીન અધઘ ૨૯ કરોડ ૬૭ લાખ રૂપિયામાં ખરીદી છે. આટલું જ નહીં, સાંસદનો દાવો છે કે તેમની પાસે આવી એક-બે નહીં પરંતુ પૂરી ૧૧ જમીનોના સોદાના દસ્તાવેજો છે, જેમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી છે. આ જમીન કૌભાંડના તમામ કાગળિયા તે તપાસ કરી રહેલી SIT ને સોંપવા માંગે છે. લખનૌ ડિવિઝનના કમિશનર અને SIT ના વડાને ૬ જુલાઈએ લખેલા ઈમેલમાં સંજય સિંહે સ્પષ્ટ કર્યું છે,
અગાઉ પણ તેઓ આ સંવેદનશીલ અને જન-આસ્થા સાથે જોડાયેલા મામલામાં તપાસ દળને મળી ચૂક્યા છે અને કેટલાક દસ્તાવેજો આપી ચૂક્યા છે. પરંતુ હવે તેમની પાસે આ પ્રકરણને લગતા કેટલાક "વધારાના અને ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજો" હાથ લાગ્યા છે. તેમણે ઈમેલમાં ભારપૂર્વક જણાવ્યું છે કે આ દસ્તાવેજો તપાસમાં અત્યંત ઉપયોગી સાબિત થશે અને કૌભાંડની વાસ્તવિકતા ઉજાગર કરવામાં તેમજ અનિયમિતતાઓનો પર્દાફાશ કરવામાં તપાસ એજન્સીને મોટી મદદ મળશે. રામ મંદિર દેશના કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે ચઢાવા, દાન અને જમીન ખરીદીમાં આવા કથિત ભ્રષ્ટાચારના આરોપોએ ભારે ખળભળાટ મચાવી દીધો છે.
સંજય સિંહે SIT ને વિનંતી કરી છે કે તેમને જલ્દીથી મુલાકાત માટે એક અનુકૂળ સમય આપવામાં આવે જેથી આ તમામ પુરાવાઓ અને દસ્તાવેજો તેઓ વિધિવત રીતે રજૂ કરી શકે અને આ ગંભીર તપાસને તેના યોગ્ય અને તાર્કિક નિષ્કર્ષ સુધી પહોંચાડી શકાય. હવે જોવું એ રહે છે કે SIT આ પુરાવાઓને આધારે તપાસ કઈ દિશામાં આગળ વધારે છે.