Loading Please Wait !!!
કાંડમાં પોલીસના હાથ જ કાળા?

  • વિમલનગર મર્ડર કેસ
  • રાજકોટમાં પોલીસની બેદરકારીથી વૃદ્ધની હત્યા !
  • ASI જયદીપસિંહ ઝાલાની બેદરકારી સામે આવી: DCPએ શો-કોઝ નોટિસ ફટકારી
  • સિટી ન્યૂઝ@રાજકોટ

શહેરના વિમલનગરમાં ગત તા.૧૪ જૂનને રવિવારની મધ્યરાત્રે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિવૃત કર્મચારી પ્રવીણભાઈ શાહની થયેલી નિર્મમ હત્યા અને તેમના પત્ની ઈલાબેનને ગંભીર ઈજા પહોંચાડવાના ચકચારી કેસમાં રોજ નવા ફણગા ફૂટી રહ્યા છે.

પોલીસ પ્રોટેક્શન માગવા છતાં અરજીઓ કચરાપેટીમાં નાખી ગુનેગાર સાથે સમાધાન કરવા દબાણ કરનારી યુનિવર્સિટી પોલીસ સામે ગંભીર આક્ષેપો બાદ પોલીસ તપાસના આદેશ થયા હતા. એસીપી આર.એસ. બારીઆના રિપોર્ટના આધારે આખરે યુનિવર્સિટી પોલીસ મથકના એસએસઆઈ જયદીપસિંહ ઝાલાની બેદરકારી હોવાનું સત્તાવાર રીતે સ્પષ્ટ થતાં ડીસીપી ઝોન-૨ દ્વારા તેમને શો-કોઝ નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.

મૃતકના પુત્રી અને પૌત્રીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બેઠી ત્રણ વખત લેખિતમાં રક્ષા મેળવવા અને નરાધમ આરોપી વિવેક ગોસ્વામી સામે કડક પગલાં લેવા અરજીઓ કરી હતી, પરંતુ કાયદો અને વ્યવસ્થાના રખેવાળના બદલે અમુક પોલીસ કર્મચારીઓએ પીડિત પરિવારને જ આરોપી સાથે સમાધાન કરી લેવાની મફતની સલાહ આપી કુંભકર્ણ નિદ્રા ઓઢી લીધી હતી.

ખાખીની આ ઘોર બેદરકારીનો ફાયદો ઉઠાવીને ઉશ્કેરાયેલા આરોપી વિવેક ગોસ્વામીએ નિવૃત કર્મચારી વૃદ્ધની ક્રૂર હત્યા કરી નાખી. આ મામલે લોકોમાં ફાટી નીકળેલા રોષને પગલે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા અને એસીપી આર.એસ. બારીઆને તપાસ સોંપી હતી. ડીસીપી રાકેશ દેસાઈએ આ મામલે સ્ફોટક માહિતી આપતા જણાવ્યું હતું કે, એસીપી બારીઆએ આ તપાસ પૂર્ણ કરી ગત શનિવારે પોતાનો રિપોર્ટ સબમિટ કરી દીધો છે. પ્રાથમિક તપાસમાં એસએસઆઈ જયદીપસિંહ ઝાલાની ગુનાહિત કહી શકાય તેવી બેદરકારી સામે આવી છે, જેના કારણે જ તેમને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. તેમને સત્તાવાર ખુલાસો આપ્યા બાદ આ કેસમાં જવાબદાર તમામ અધિકારીઓ કે કર્મચારીઓ સામે આકરી ખાતાકીય અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

  • ભુજમાં ફેક્ટરીના વેપારીને પોલીસ હેરાન કરતી હતી
  • ફેક્ટરી ચાલુ રાખવા PSIએ 40 હજાર લાંચ લેતા ઝડપાયો
  • PSI ઈન્દ્રવિજયસિંહ ગોહિલ લાંચ લેતા ACBના સકંજામાં આવ્યા

સિટી ન્યૂઝ@ભુજ

પશ્ચિમ કચ્છ પોલીસની કામગીરી છેલ્લા કેટલાક સમયથી બાકે ગયેલી દેખાઈ રહી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા વારંવાર એસએસએમની ટીમ દરોડો પાડી રહી છે. તેવામાં હવે વાયોર પોલીસ મથકનો પીએસઆઈ ફેક્ટરી ચાલુ રાખવા અને હેરાનગતિ ન કરવા માટે રૂપિયા ૪૦ હજારની લાંચ માંગી ૪૦ હજાર લીધા બાદ એસીબી ટ્રેપની ગંધ આવી જતા ફરાર થઈ ગયો હતો. પશ્ચિમ-કચ્છ વાયોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વર્ગ-૩ ના પોલીસ સબ ઈન્સ્પેક્ટર ઈન્દ્રવિજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ગેરકાયદેસર લાંચ લેતા એસીબીના સકંજામાં આવી ગયા છે. આ કેસના જાગૃત ફરિયાદી વિરુદ્ધ વાયોર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલ હતો. આ ગુનામાં ફરિયાદીને હેરાન પરેશાન નહીં કરવા તેમજ તેમની ફેક્ટરી નિર્વિઘ્ને ચાલુ રાખવા દેવાના હપ્તે આરોપી પીએસઆઈએ રૂપિયા ૪૦ હજારની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી, તેમણે એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર સંપર્ક કર્યો હતો અને ગાંધીધામ એસીબી ઓફિસે જઈને આ અંગે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. એસીબી દ્વારા ૫ જુલાઈના ભુજના ગાયત્રી મંદિર ગેટ પાસે રોડ પર લાંચના છટકાનું આયોજન કરાયું હતું. ટ્રેપ દરમિયાન આરોપી પીએસઆઈએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, રકઝકના અંતે રૂપિયા ૪૦ હજારની લાંચ સ્વીકારી લીધી હતી. જો કે, લાંચની રકમ લીધા બાદ આરોપીને કોઈ પ્રકારનો શક કે વહેમ જતાં, તે લાંચની રકમ લઈને સ્થળ પરથી નાસી જતા એસીબી ટીમને હાથ લાગ્યો ન હતો.

પશ્ચિમ કચ્છના પીએસઆઈ સામે કાર્યવાહી કરવા ગાંધીધામ ખાતે ફરિયાદ કરાઈ હતી. જેના આધારે એસીબી પોલીસ સ્ટેશન ગાંધીધામના પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી. ચૌધરી તથા તેમની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ અને રાજકોટ એસીબીના ઈન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જે મામલે એસીબીએ ગુનો નોંધી આરોપી પીએસઆઈને ઝડપી લેવા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.