Loading Please Wait !!!
બે વિમાનો રનવે પર સામસામે આવ્યા

મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

 

  • સીટી ન્યૂઝ@મુંબઈ

મંગળવારે ૭ જુલાઈના રાત્રે મુંબઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ. એક જ રનવે પર એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસના બે વિમાનો સામસામે આવી ગયા હતા. જોકે, એર ટ્રાફિક કંટ્રોલ (ATC) તરફથી સૂચના મળ્યા બાદ એર ઈન્ડિયાના વિમાને ટેકઓફ રદ કર્યું હતું.

સૂત્રો અનુસાર, આ ઘટના રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ બની હતી. સિલીગુડીથી આવેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ AIX-૧૫૪૭ લેન્ડિંગ કર્યા બાદ રનવે પરથી સંપૂર્ણપણે હટી પણ નહોતી, તે દરમિયાન એ જ રનવે પરથી દિલ્હી જવા તૈયાર એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-૮૧૬ ટેક-ઓફ માટે આગળ વધી રહી હતી.

એક જ રનવે પર બંને વિમાનો સામસામે આવી જતા એરપોર્ટ પર ચકચાર મચી ગઈ હતી. જોકે, ATC તરફથી તરત જ સૂચના મળતા એર ઈન્ડિયાના પાયલોટે ટેક-ઓફ પ્રક્રિયા અટકાવી દીધી અને વિમાનને પાછું બે (Bay) એટલે કે પાર્કિંગ વિસ્તારમાં લઈ જવામાં આવ્યું, જેના કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી અને તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા.

સૂત્રો અનુસાર, મુંબઈથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-૮૧૬માં મોટા કદનું બોઈંગ ૭૭૭-૩૦૦ER વિમાન હતું. જ્યારે સિલીગુડીથી મુંબઈ આવેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ AIX-૧૫૪૭માં બોઈંગ ૭૩૭ MAX ૮ વિમાન સામેલ હતું.