Loading Please Wait !!!
જંગલેશ્વર ખર્ચ કૌભાંડમાં નવો ટ્વિસ્ટ ખર્ચના બીલ મીડિયાને આપનાર કર્મચારીને ફસાવાનો પ્લાન ?

  • પારદર્શકતા નહીં, દબાણની રાજનીતિ
  • આઈ.ટી. વિભાગના ધ્યાને ઓડિટ શાખાના કર્મચારીનું આઈપી એડ્રેસ આવ્યું
  • પૂર્વ મેયરના બાંધકામ ઉપર કાર્યવાહી કેમ નહીં?
  • બિલ કૌભાંડની તપાસમાં ભીનું સંકેલવાની ચાલ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલિશન ખર્ચને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ખર્ચના આંકડા જાહેર કરવાની જગ્યાએ હવે સત્ય બહાર લાવનાર કર્મચારી સામે જ કાર્યવાહી કરવાની તૈયારી શરૂ થતાં "ઊલટા ચોર કોતવાલને ડાટે" જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

માહિતી મુજબ, ડિમોલિશન ખર્ચના બિલ મીડિયામાં પહોંચતા તંત્ર હરકતમાં આવ્યું છે. તપાસ દરમિયાન આઈટી વિભાગને ઓડિટ શાખાના એક કર્મચારીનું આઈપી એડ્રેસ મળી આવ્યું હોવાનું જાણવા મળે છે. જેના આધારે હવે તે કર્મચારી સામે ખાતાકીય પગલાં સહિત કડક કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે.

આ મામલે સૌથી મોટો સવાલ એ છે કે, જાહેર હિતનો મુદ્દો હોવા છતાં હજુ સુધી શાસકો અને અધિકારીઓએ કુલ ખર્ચનો સત્તાવાર આંકડો જાહેર કર્યો નથી. ખર્ચ કેટલો થયો, કયા હેડ હેઠળ થયો અને તેમાં કોઈ ગેરરીતિ છે કે નહીં આ બધા પ્રશ્નો હજુ અનઉત્તરિત છે.

ઓડિટ વિભાગના વડા હવે સંબંધિત કર્મચારી સામે પ્રહારની કાર્યવાહી કરે છે તે સૌની નજર છે. પરંતુ બીજી બાજુ, પારદર્શકતા જાળવવાની જગ્યાએ માહિતી બહાર લાવનારને જ ટાર્ગેટ કરાતા તંત્રની નીતિ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં સાચું શું અને ખોટું શું તે બહાર આવવું જરૂરી છે, પરંતુ હાલ સ્થિતિ એવી છે કે ખર્ચ કરતા વધુ ચર્ચા હવે "કોણે માહિતી લીક કરી ?" પર થઈ રહી છે.