બાળકી પર બળાત્કાર-હત્યાનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
બંગાળ પોલીસનો દાવો : રાઈફલ છીનવીને ભાગવાની કોશિશ કરી
સીટી ન્યૂઝ@કોલકાતા
પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના બારૂઈપુરમાં સગીરા પર બળાત્કાર અને હત્યાનો એક આરોપી પ્રભાસ મંડળ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પૂછપરછ દરમિયાન પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
પોલીસે દાવો કર્યો છે કે પ્રભાસ મંડળે એક પોલીસકર્મીની રાઈફલ છીનવી લીધી હતી. આ પછી પોલીસ અને આરોપી વચ્ચે એન્કાઉન્ટર થયું, જેમાં પ્રભાસ મંડળને ગોળી વાગી. તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. બારૂઈપુરમાં ૧૨ વર્ષની છોકરી ૪ જુલાઈએ ગુમ થઈ ગઈ હતી. ૫ જુલાઈએ એક તળાવમાંથી તેનો મૃતદેહ મળ્યો. પોસ્ટમોર્ટમમાં બળાત્કારની પુષ્ટિ થઈ. પોલીસે બળાત્કાર-હત્યાના આરોપમાં પ્રભાસ મંડળ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આમાંથી એક આરોપીનું નામ આનંદ સરદાર છે. ૫ જુલાઈના રોજ તળાવમાંથી યુવતીનો મૃતદેહ મળ્યા બાદ તરત જ ભીડ એક આરોપીને માર મારીને હત્યા કરી દીધી હતી. તેના પર બાળકીના બળાત્કાર અને હત્યામાં સામેલ હોવાની શંકા હતી. મૃતકની ઓળખ ઇન્દ્રજીત તાંતી તરીકે થઈ હતી. પોલીસે વિસ્તારના CCTV ફૂટેજની પણ તપાસ કરી, જેમાં લોક છોકરીને પોતાની સાથે લઈ જતાં જોવા મળ્યા હતા. પોલીસે જણાવ્યું કે પ્રારંભિક પોસ્ટમોર્ટમમાં છોકરીના માથા અને પ્રાઈવેટ પાર્ટસ પર ઈજાના નિશાન મળ્યા હતા. છોકરીના માથા પર કાં તો કોઈ ભારે વસ્તુથી હુમલો કરવામાં આવ્યો હતો અથવા તેને કોઈ સખત સપાટી પર પછાડવામાં આવી હતી. શરીરના અલગ-અલગ ભાગો પર ઉઝરડા અને કાપવાના નિશાન હતા. તેના ફેફસાં અને પેટમાં પાણી મળ્યું. આરોપીઓએ તેને જીવતી જ તળાવમાં ફેંકી દીધી હતી. ડૂબી જવા અને વધુ પડતા રક્તસ્રાવને કારણે તેનું મૃત્યુ થયું.