કાલે રંગીલું રાજકોટ દેશભક્તિના રંગમાં રંગાશે: ભવ્ય તિરંગા યાત્રા
- બહુમાળી ભવન ચોકથી જ્યુબિલી ગાર્ડન ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી યોજાશે તિરંગા યાત્રા
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે સવારે ૯ કલાકે બહુમાળી ભવન ચોક ખાતે તિરંગા યાત્રા ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે.
તિરંગાની શાન, દેશની આ શાન રાજકોટ બનશે દેશભક્તિની ઓળખના ગૌરવવંતા ભાવ સાથે યોજનારી આ ભવ્ય તિરંગા યાત્રા બહુમાળી ભવન ચોકથી પ્રસ્થાન કરી જ્યુબિલી ગાર્ડન ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી યોજાશે.
રાજકોટ શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, એન.સી.સી. કેડેટ્સ, એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ, યુવાનો, સામાજિક સંસ્થાઓ, યુવા મંડળો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે.
તિરંગા યાત્રા-૨૦૨૬ના રૂટ પર વિવિધ કલાકારો, છાત્રોના સહયોગથી ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિના વૈવિધ્યને ઉજાગર કરતી કૃતિઓ રજૂ કરવામાં આવશે. જેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષામાં સજ્જ પાત્રો, દેશભક્તિના ગીતો, ક્લાસિકલ નૃત્ય, ગણેશ વંદના, મિશ્ર રાસ, હુડો રાસ અને ડાંગી નૃત્ય સહિતની વિવિધ રજૂઆતો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
તિરંગા યાત્રાના રૂટ પર અલગ અલગ સ્થળોએ આઠ જેટલા વિશેષ સ્ટેજ તૈયાર કરવામાં આવશે. આ સ્ટેજ પર વિવિધ કલાકારો દ્વારા લોકનૃત્ય અને લોકસંગીતની ગોહદ રજૂઆતો કરવામાં આવશે. યાત્રામાં જોડાયેલા લોકોનું કલાકારો દ્વારા અનોખી રીતે સ્વાગત અને અભિવાદન કરવામાં આવશે.
માર્ગો પર રાસ ગરબા શરણાઈ છત્રી સહીતની વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો થશે. આ ઉપરાંત કઠપુતળી અને રાજસ્થાની નૃત્ય પણ રજૂ કરવામાં આવશે. ગુજરાતની લોકલાથી લઈને રાજસ્થાનની લોકસંસ્કૃતિ સુધીના વિવિધ રંગો એક જ સ્થળે જોવા મળતા હોવાથી સમગ્ર યાત્રા એક વિશાળ સાંસ્કૃતિક મહોત્સવનું સ્વરૂપ ધારણ કરશે.
રાજકોટની ધરતી પર દેશભક્તિનો જુવાલ જગાવતી આ તિરંગા યાત્રાને ભવ્ય અને ऐतिहासिक બનાવવાના સંકલ્પ સાથે મેયર ડૉ. નૈતલ શુક્લ, ડેપ્યુટી મેયર દર્શાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી ડૉ. હિરેનભાઈ ભીમાણીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષભાઈ બહુએ રાજકોટ શહેરના નાગરિકોને બહોળી સંખ્યામાં ઉત્સાહભેર જોડાવા અનુરોધ કર્યો છે.