જનરલ બોર્ડમાં 72 કોર્પોરેટરોએ પૂછેલા પ્રશ્નો જાહેર કરો : કોંગ્રેસ
જનતાના પ્રશ્નો અંગે કોર્પોરેટરોની રજૂઆતો અને જવાબોની વિગતો પારદર્શક રીતે મૂકવાની ડૉ. રાજદીપસિંહ જાડેજાની માંગ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાનું આગામી જનરલ બોર્ડ યોજાવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ વિપક્ષ દ્વારા ૭૨ કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્નો અને કરેલી રજૂઆતોની સંપૂર્ણ વિગતો જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજકોટની જનતાના પોતાના વિસ્તારમાંથી કોર્પોરેટરોને ચૂંટીને મહાનગરપાલિકામાં મોકલ્યા છે. ત્યારે જનપ્રતિનિધિઓ પોતાના વિસ્તાર તેમજ સમગ્ર શહેરના પ્રશ્નો અંગે કેટલા સક્રિય છે અને જનરલ બોર્ડમાં પ્રશ્નો કેટલી ગજબતીથી રજૂ કરે છે તે જાણવાનો અધિકાર જનતાને છે.
તેમણે જણાવ્યું કે જનરલ બોર્ડ માત્ર ઔપચારિક કાર્યવાહી પૂરતુંી ન રહે, પરંતુ રાજકોટના વાસ્તવિક પ્રશ્નો અંગે અસરકારક ચર્ચા થાય અને તેને ઉકેલ માટે જવાબદારી નક્કી થાય તે જરૂરી છે. દરેક કોર્પોરેટરે પોતાના વિસ્તારના તેમજ શહેરના પ્રશ્નો ઉઠાવ્યા કે નહીં તેની વિગતો પણ જાહેર થવી જોઈએ.
કોંગ્રેસે માંગ કરી છે કે આગામી જનરલ બોર્ડ બાદ ૭૨ કોર્પોરેટરો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો, કરવામાં આવેલી રજૂઆતો તેમજ તંત્ર દ્વારા આપવામાં આવેલા જવાબોની વિગતો પારદર્શક રીતે જાહેર કરવામાં આવે અને ચોથી જાગીર સમક્ષ પણ રજૂ કરવામાં આવે. જેથી મીડિયા તેમજ રાજકોટની જનતા જાણી શકે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતાના પ્રશ્નો અંગે કેટલી ગંભીરતા દાખવી રહ્યા છે.
ડૉ. રાજદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે જનતાના મતથી ચૂંટાયેલા પ્રતિનિધિઓને જનતા પ્રત્યે જવાબદાર રહેવું જોઈએ. “જનપ્રતિનિધિ જનતાની વચ્ચે અને જનતાના પ્રશ્નો સાથે” એ લોકશાહીની સાચી ભાવના છે. રાજકોટ શહેર કોંગ્રેસ વિપક્ષ તરીકે આ મુદ્દે સતત આવાઝ ઉઠાવશે અને જનતાના હિતમાં પારદર્શિતા તથા જવાબદારીની માંગ કરતી રહેશે.