કાલાવડ રોડના સ્વીમીંગ પૂલની લાડી બની ’ધારદાર છરી’ તરવૈયાના પગ ચિરાયા
- પુલના તળિયે લાડી ઉપસી ગઈ: પુલની ભયાનક વાસ્તવિકતા
- 2500થી વધુ તરવૈયાના જીવ જોખમમાં: સ્વીમીંગ પૂલમાં થીગડા અને ચાહવાની જગ્યામાં ટાઈલ્સના ભૂક્કા: રીનોવેશનની માત્ર વાતો
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના પોશ ગણાતા કાલાવડ રોડ પર આવેલો મહાનગરપાલિકાનો સ્વિમિંગ પુલ ખુદ મનપા તંત્રના પાપે જ લોહી તરસ્યો બનતો જાય છે. પુલના તળિયે લાડી ઉપસી ગઈ છે, અમુક જગ્યાએ તો ગાબડાં પડી ગયા છે અને છરીથી પણ તિષ્ણ ધાર લાડીની કોરમાં હોવાથી તરવૈયાઓ માટે કોઈ કાળમુખા ’ડેથ ટ્રેપ’ સમાન બની ગયો છે. આજે આ પુલમાં વધુ એક તરવૈયો ગંભીર રીતે લોહીલુહાણ થયો છે. સ્વિમિંગ પુલની ભયાનક વાસ્તવિકતા એ છે કે તેના તળિયે ઉપડેલી લાડીઓની ધાર તલવાર કરતાં પણ વધુ તીક્ષ્ણ અને ધારદાર થઈ ચૂકી છે. પાણીમાં ઉતરેલા તરવૈયાઓને ખબર પણ નથી હોતી કે કઈ ક્ષણે આ ધારદાર
લાડીઓ તેમના શરીરને ચીરી નાખશે. પરિસ્થિતિ એટલી હદે નાજુક અને જોખમી છે કે જો કોઈ નાગરિક કે યુવાન ભૂલથી પણ પુલની અંદર ’ડીપ ડાઈવ’ (ઉંડી ડૂબકી) લગાવે, તો કાં તો તેનું માથું ફાટી જાય અથવા તો ગળાની
મુખ્ય નસ કપાઈ જતાં સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજે એવી પૂરેપૂરી સંભાવના છે. સૌથી વધુ ચોંકાવનારી અને શરમજનક બાબત તો એ છે કે આ સ્વિમિંગ પુલના રીનોવેશન માટે છેલ્લા દોઢ વર્ષથી સતત અને ઉગ્ર માંગણીઓ
કરવામાં આવી રહી છે. પુલની આ જર્જરિત અને ખતરનાક હાલત અંગે મનપાની બાંધકામ શાખાને એક કે બે વાર નહીં, પરંતુ અનેક વખત લેખિત પત્રો મોકલીને રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, એસી કેબિનોમાં બેસતા મનપાના અંધ અને બહેરા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. જનતાના જીવના જોખમે પત્રોને કચરાપેટીમાં નાખી દેવાની આ માનસિકતા જ બતાવે છે કે તંત્રને લોકહિત કે લોકોના જીવની કોઈ કિંમત જ નથી. આ આખીય બાબતને અત્યંત હળવાશથી લઈને ગુનાહિત બેદરકારી દાખવવામાં આવી રહી છે, જે કોઈપણ કાળે સાંખી શકાય તેમ નથી. બાંધકામ શાખા એવો જવાબ આપે છે કે, પુલ રિનોવેશન કરવા માટે ભંડોળ નથી!