Loading Please Wait !!!
સોનલ વસાણી બન્યા રાષ્ટ્રીય કારોબારી અધ્યક્ષ

રાષ્ટ્રીય સફલ રઘુવંશી સમાજ ક્ષત્રિય મહાસભા દ્વારા નિમણૂક

સિટી ન્યૂઝ@રાજકોટ

રાષ્ટ્રીય સફલ રઘુવંશી સમાજ ક્ષત્રિય મહાસભા દ્વારા રાષ્ટ્રીય સ્તરે હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના અગ્રણી સોનલબેન વસાણીની રાષ્ટ્રીય કારોબારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. સંગઠનના સર્વોચ્ચ નેતૃત્વના સર્વસંમતિથી લેવાયેલા નિર્ણય અનુસાર, રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી દિયા કુમારીજીને રાષ્ટ્રીય સંયોજક તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, રાજકુમાર રઘુવંશી (મધ્યપ્રદેશ), રોહિત રઘુવંશી (અયોધ્યા), અને સહજાનંદ પૃથ્વીરાજ (મહારાષ્ટ્ર) ને સંયોજક તરીકેની જવાબદારી સોંપાઈ છે. સુમિત રઘુવંશી અને દીપક રઘુવંશીને કાનૂની રાષ્ટ્રીય સલાહકાર બનાવવામાં આવ્યા છે.

આ નિમણૂકોનો મુખ્ય ઉદ્દેશ્ય રઘુવંશી સમાજની એકતા અને સંગઠનને વૈશ્વિક સ્તરે મજબૂત કરવાનો છે. ગુજરાતના સક્રિય સામાજિક કાર્યકર્તા અને રઘુવંશી સમાજના અગ્રણી સોનલબેન વસાણીની આ વરણીથી તેમની સંગઠનાત્મક શક્તિનો લાભ હવે સમગ્ર દેશને મળશે. સોનલબેન વસાણી છેલ્લા ઘણા સમયથી સમાજના ઉત્થાન, મહિલા સશક્તિકરણ અને ભાજપ સંગઠનમાં વિવિધ ભૂમિકાઓ ભજવી રહ્યા છે. તેઓ જસદણ નગરપાલિકામાં બે ટર્મથી ભાજપના કોર્પોરેટર રહી ચૂક્યા છે. તેમણે જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી છે. તેઓ રઘુવંશી સમાજની અને અન્ય અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તેમની રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકેની નિમણૂક બદલ ભારતભરમાંથી સમાજના શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, સંતો-મહંતો, સામાજિક આગેવાનો અને લોહાણા મહાજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.