Loading Please Wait !!!
રાજકોટમાં 16 જુલાઈએ અજરામર જૈન સંઘનો ચાતુર્માસ પ્રવેશત્સવ

ભાવચંદ્રજી સ્વામીના સાનિધ્યમાં ધર્મયાત્રા, શુભેચ્છા સમારોહ અને ચાતુર્માસ કલ્પનો પ્રારંભ; મોટી સંખ્યામાં ભાવિકોને આમંત્રણ

સિટી ન્યૂઝ@રાજકોટ

અજરામર સ્થાનકવાસી જૈન સંઘ, રાજકોટના આંગણે ૧૬ જુલાઈએ ચાતુર્માસ પ્રવેશત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ ભાવચંદ્રજી સ્વામી તથા વિમલચંદ્રજી સ્વામી સહિત સાધુ-સાધ્વી મંડળના પવિત્ર સાનિધ્યમાં ચાતુર્માસ કલ્પનો પ્રારંભ થશે. આ પ્રસંગે અજરામર, ગોંડલ, ગોંડલ સંઘાણી સંપ્રદાય તેમજ કચ્છ, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર સહિતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગુરૂભક્તો, આગેવાનો અને શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

પ્રવેશદિને સવારે ૭:૧૫ કલાકે મહાવીર સ્વામી ચોકથી ભવ્ય ધર્મયાત્રાનો પ્રારંભ થશે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે. આ યાત્રા મહિલા કોલેજ બ્રિજ માર્ગે કાલાવડ રોડ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના મુખ્ય સભાગૃહ સુધી પહોંચશે. ત્યારબાદ સવારે ૯ વાગ્યે ચાતુર્માસ શુભેચ્છા સમારોહ યોજાશે, જેમાં વિવિધ ધાર્મિક પ્રવચન અને આશીર્વચન આપવામાં આવશે. આ ચાતુર્માસ દરમિયાન જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના માર્ગે પ્રેરણા આપતા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નવકાર મંત્ર જાપ, જ્ઞાન શિબિર, ધાર્મિક પ્રવચનો, સાધના કાર્યક્રમો તેમજ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા ભાવિકોને આત્મિક ઉન્નતિનો માર્ગ દર્શાવવામાં આવશે.

રાજકોટમાં આચાર્ય પદ પ્રાપ્ત કર્યા બાદ ભાવચંદ્રજી સ્વામી પ્રથમ વખત ચાતુર્માસ કલ્પનો લાભ આપી રહ્યા હોવાથી જૈન સમાજમાં વિશેષ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. સંઘ દ્વારા ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે સવારે નવકારશી અને બપોરે સાધર્મિક ભક્તિનું વિશેષ આયોજન પણ રાખવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંઘના સભ્યો દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે અને ધર્મપ્રેમી જનતાને સપરિવાર હાજર રહી આ પવિત્ર પ્રસંગનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.