Loading Please Wait !!!
ભાજપે 40 દિવસમાં 70 વાર રામ મંદિરને લૂંટ્યું

રાજકોટ આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રીતું ચૌધરીએ કહ્યું

PMO થી ચોકીદારી થતી હતી તો પણ રામ મંદિરમાં ચોરી કેવી રીતે?: ભાજપે મહંમદ ગઝની કરતા પણ વધુ લૂંટ કરી

સિટી ન્યૂઝ@રાજકોટ

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના રાષ્ટ્રીય પ્રવક્તા રીતું ચૌધરીએ રાજકોટ મુલાકાત દરમિયાન અયોધ્યા રામ મંદિરની સુરક્ષા અને કથિત ચોરીના મુદ્દે ભાજપ અને ઉત્તર પ્રદેશ સરકાર પર વધુ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રામ મંદિરની સુરક્ષા વ્યવસ્થા, તપાસની પ્રક્રિયા અને વહીવટી કામગીરી અંગે અનેક ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને સમગ્ર મામલે પારદર્શકતા લાવવાની માંગ કરી હતી.

રીતું ચૌધરીએ જણાવ્યું હતું કે જો પ્રધાનમંત્રી કાર્યાલયથી મંદિરની દેખરેખ રાખવામાં આવતી હોવાનું કહેવામાં આવે છે તો પછી ચોરી જેવી ગંભીર ઘટનાઓ કેવી રીતે બની શકે તે મોટો સવાલ છે. તેમણે દાવો કર્યો કે છેલ્લા ૪૦ દિવસમાં રામ મંદિરમાં ૭૦ વખત ચોરીની ઘટનાઓ બની હોવાનું સામે આવ્યું છે અને આ સમગ્ર મામલે જવાબદારી નક્કી કરીને દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

તેમણે આક્ષેપ કર્યો કે મંદિરમાં થયેલી કથિત ગેરરીતિઓમાં બહારના લોકો નહીં પરંતુ આંતરિક તંત્ર સાથે સંકળાયેલા લોકોની સંડોવણી હોવાના આરોપો સામે આવ્યા છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે. તેમણે સીસીટીવી સુરક્ષા વ્યવસ્થા, દેખરેખની પદ્ધતિ અને પ્રશાસનની કામગીરી અંગે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા પર પ્રશ્નચિહ્ન મૂક્યું હતું. કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે સામાન્ય ચોરીના બનાવમાં તાત્કાલિક એફઆઈઆર નોંધાય છે અને જ્યારે આ મામલે તપાસની પ્રક્રિયા અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. તેમણે રાજ્ય સરકાર દ્વારા સ્થાપેલી એસઆઈટીની નિષ્પક્ષતા પર પણ સવાલ ઉઠાવી સમગ્ર મામલાની તપાસ સુપ્રીમ કોર્ટના વર્તમાન ન્યાયાધીશની દેખરેખ હેઠળ કરાવવાની માંગ કરી હતી, જેથી સત્ય બહાર આવી શકે. રીતું ચૌધરીએ વધુમાં જણાવ્યું કે કરોડો રામભક્તોની આસ્થા સાથે જોડાયેલા આ મુદ્દે પારદર્શક અને નિષ્પક્ષ તપાસ અત્યંત જરૂરી છે. તેમણે ઉમેર્યું કે આ મામલે કોઈપણ પ્રકારની ઢીલાશ કે રાજકીય દખલગીરી ન હોવી જોઈએ અને સમગ્ર ઘટનાક્રમ અંગે સાચી હકીકતો દેશ સમક્ષ આવે તે માટે યોગ્ય પગલાં લેવાં જરૂરી છે.