રાજકોટમાં શિક્ષણ તંત્ર ફેલ : 12,542 વિદ્યાર્થીઓએ શાળા છોડતા હાહાકાર
=> રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સત્તાવાર સર્વેમાં ગંભીર આંકડાઓ બહાર આવ્યા
સિટી ન્યૂઝ@રાજકોટ
શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા મસમોટા શૈક્ષણિક કાર્યક્રમોના દાવાઓ વચ્ચે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી દ્વારા કરવામાં આવેલા એક સત્તાવાર સર્વેએ જિલ્લાની શિક્ષણ વ્યવસ્થા સામે અનેક ગંભીર પ્રશ્નાર્થો ઊભા કર્યા છે. જિલ્લાના કુલ ૧,૪૮,૨૬૯ વિદ્યાર્થીઓના સર્વે દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે કે, ચાલુ વર્ષે કુલ ૩૨,૯૪૮ વિદ્યાર્થીઓએ અધવચ્ચેથી જ અભ્યાસ છોડી દીધો હતો. શિક્ષણ વિભાગની વિવિધ ટીમો આ પૈકીના ૨૦,૪૦૬ વિદ્યાર્થીઓને પુનઃ શાળાએ લાવવામાં સફળ રહી છે, પરંતુ હજુ પણ ૧૨,૫૪૨ બાળકો શિક્ષણના મુખ્ય પ્રવાહથી વંચિત રહી ગયા છે. ઉનાળુ વેકેશન પૂર્ણ થતાંની સાથે જ આગામી ૮ જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. જોકે, વેકેશન લંબાવવા અંગે હજુ આખરી નિર્ણય બાકી છે. નવા સત્રમાં બાલવાટિકા અને ધોરણ ૧માં નોંધાયેલા પ્રવેશના આંકડા આ પ્રમાણે છે. બાલવાટિકામાં ૨,૮૨૧ અને ધોરણ ૧માં ૭૩૭ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે. બાલવાટિકામાં ૧૧,૬૧૩ અને ધોરણ ૧ માં ૭૧૦ વિદ્યાર્થીઓ પ્રવેશ લેશે.
ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને પરત લાવવા વિશેષ ડ્રાઇવ કરાશે: DEO
આ ગંભીર પરિસ્થિતિ અંગે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું કે, અમે જિલ્લામાં ૧૦૦% વિદ્યાર્થીઓનો ટ્રેકિંગ સર્વે પૂર્ણ કર્યો છે. જે બાળકો હજુ સુધી શાળાએ પરત નથી ફર્યા તેમના માટે એક વિશેષ ટ્રેકિંગ ફોર્મ બનાવવામાં આવ્યું છે. અમારા સભ્યો આવા બાળકોના વાલીઓનો રૂબરૂ સંપર્ક કરી રહ્યા છે, જેથી કાઉન્સેલિંગ કરીને આ તમામ ૧૨,૫૪૨ બાળકોને ફરીથી શાળાએ લાવી શકાય અને તેમનું ભવિષ્ય બગડતું અટકાવી શકાય.
| શહેર/તાલુકો | શિક્ષણથી વંચિત રહેલા બાળકોની સંખ્યા |
| રાજકોટ કોર્પોરેશન | 4,677 |
| ગોંડલ | 649 |
| રાજકોટ | 1,402 |
| જસદણ | 1,171 |
| જેતપુર | 903 |
| કોટડાસાંગાણી | 469 |
| ઉપલેટા | 784 |
| ધોરાજી | 831 |
| પડધરી | 502 |
| લોધિકા | 227 |
| વિંછીયા | 724 |
| જામકંડોરણા | 203 |
| કુલ | 12,542 |
| ધોરણ | વિદ્યાર્થીઓની સંખ્યા |
| ધો-1 | 2071 |
| ધો-2 | 1458 |
| ધો-3 | 1795 |
| ધો-4 | 1759 |
| ધો-5 | 1762 |
| ધો-6 | 1939 |
| ધો-7 | 1932 |
| ધો-8 | 6055 |
| ધો-9 | 3,816 |
| ધો-10 | 10,361 |
| કુલ | 32,948 |