રાજકોટ સ્ટેશન પરથી બે કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો
ગાંજાનો જથ્થો લઈ જામનગર જતો હતો ત્યારે જ રેલ્વે એલસીબીની ટીમ ટ્રાફી: રૂ.1.14 લાખની મતા જપ્ત
સીટી ન્યૂઝ@રાજકોટ
હાલ પેડલરો પોલીસથી બચવા માટે અવનવા કિમિયા અજમાવે છે, ત્યારે હવે રેલ્વે મારફત ગાંજાની હેરાફેરી સામે આવી છે. રાજકોટ રેલ્વે સ્ટેશન પરથી બિહારનો મુસાફર આશરે બે કિલો ગાંજા સાથે ઝડપાયો હતો. બિહારી શખ્સ જામનગર ખાતે ગાંજો લઈને પહોંચે તે પૂર્વે જ રેલ્વે એલસીબીએ દબોચી રૂ.૧.૧૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડાની વિગત અનુસાર રેલ્વે પોલીસના પીઆઈ એચ.એમ.રાણાની રાહબરી હેઠળ એલસીબી પીએસઆઈ જે એમ પરમાર સહિતની ટીમ રાજકોટ રેલ્વે પરિસરમાં ગેરકાયદે માદક પદાર્થની હેરાફેરીને અટકાવવા પ્રયત્નશીલ હતી. રેલ્વે એલસીબી અને એસઓજીની ટીમ રેલ્વે સ્ટેશન પર આંતરરાજ્ય ટ્રેન પર વોચમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ હસમુખભાઈને બાતમી મળી હતી કે, રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર એક શખ્સ શંકાસ્પદ વજનદાર બેગ સાથે આંટા મારી રહ્યો છે. જેમાં માદક પદાર્થનો જથ્થો છુપાવવામાં આવેલ છે. જે બાતમી મળતાની સાથે જ રેલ્વે એલસીબીની ટીમે તાત્કાલિક પ્લેટફોર્મ નં.૧ પર જઈ શંકાસ્પદ શખ્સ પાસે રહેલ બેગ તપાસતા તેમાંથી રૂ.૧.૧૪ હજારની બે કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાંજો, મોબાઈલ મળી કુલ રૂ.૧.૧૪ લાખનો મુદ્દામાલ કબજે કરી રાહુલકુમાર અર્જુન મંડલ (ઉ.વ.૨૫, રહે. સુપૌલ, બિહાર) વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર ઝડપાયેલ શખ્સ બિહારથી ગાંજાનો જથ્થો સાથે લઈ જામનગર ખાતે મજૂરી કામ અર્થે જતો હતો અને જો કામ ન મળે તો આ ગાંજો વેંચી પરત વતન જતો રહેવાની કેફિયત આપી હતી. બિહારથી આવ્યો હતો. પોલીસને આરોપીની કેફિયત ખોટી જણાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં પીઆઈ એચ. એમ. રાણા, પીએસઆઈ જે. એમ. પરમાર, એએસઆઈ હરપાલસિંહ સરદારસિંહ, એએસઆઈ બલભદ્રસિંહ રણજીતસિંહ, એએસઆઈ રામજીભાઈ ચંદુલાલ, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જયવંતસિંહ, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ મહાવીરસિંહ, પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈ રાઘવભાઈ, જયેશભાઈ નાથાભાઈ, શૈલેષભાઈ લાલજીભાઈ, દિવ્યરાજસિંહ વાઘેલા, ભુપતભાઈ કાનાભાઈ, SOGના હેડ કોન્સ્ટેબલ સિંકરાજસિંહ કણબા તેમજ રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશનના એએસઆઈ કાંતિલાલ ભીખાભાઈ, હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ વનરાજસિંહ અને યોગીરાજસિંહ ફતેસિંહ જોડાયા હતા.