રાજકોટમાં 5 દિવસમાં રૂ.1.48 કરોડની વિજચોરી ઝડપાઈ
-
3,૫૯૫ જોડાણોની તપાસમાં ૩૬૪ ગેરરીતિ મળી; રૈયા રોડના એક જ જોડાણમાંથી રૂ.૧૭ લાખની વિજચોરી
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં વધતી વીજ માંગ વચ્ચે વિજચોરી અટકાવવા પીજીવીસીએલ દ્વારા હાથ ધરાયેલી ૫ દિવસીય મેગા ચેકિંગ ઝુંબેશમાં રૂ.૧.૪૮ કરોડની વિજચોરી ઝડપાઈ છે. શહેરના ૩,૫૯૫ વીજ જોડાણોની તપાસ દરમિયાન ૩૬૪ જોડાણોમાં વિવિધ પ્રકારની ગેરરીતિ સામે આવતાં વીજતંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. કુલ રૂ.૧૪૮.૮૭ લાખના આકારણી બિલ ફટકારવામાં આવ્યા છે. પીજીવીસીએલના સિટી અધિક્ષક ઈજનેર તપન વોરાએ જણાવ્યું હતું કે સોમવારથી શુક્રવાર દરમિયાન શહેરના વધુ ટી એન્ડ ડી લોસ ધરાવતા અને શંકાસ્પદ વિસ્તારોમાં ૧૭૮ ચેકિંગ ટીમો ઉતારી તપાસ હાથ ધરવામાં આવી હતી. રહેણાંક, વ્યાવસાયિક તેમજ અન્ય પ્રકારના વીજ જોડાણોની સઘન ચકાસણી દરમિયાન અંદાજે ૧૦ ટકા જોડાણોમાં ગેરરીતિ મળી આવી હતી. ચેકિંગ દરમિયાન સૌથી મોટી વિજચોરી રૈયા રોડ વિસ્તારમાં સામે આવી હતી. અહીં કૃષિ વીજ જોડાણનો વ્યાવસાયિક ઉપયોગ થતો હોવાનું બહાર આવતાં એક જ જોડાણમાં રૂ.૧૭ લાખની વિજચોરી ઝડપાઈ હતી.
આ ઉપરાંત કેટલાક રહેણાંક અને અન્ય જોડાણોમાં પણ રૂ.૩-૩ લાખ સુધીના આકારણી બિલ ફટકારવામાં આવ્યા હતા. આ ઝુંબેશ દરમિયાન આજી-૧, આજી-૨, પ્રહલાદ પ્લોટ, મોરબી રોડ, કોઠારીયા રોડ, માધાપર, બેડીનાકા, રૈયા રોડ, પ્રદ્યુમનનગર, ઉદ્યોગનગર, વાવડી, ખોડલદળ, મવડી રોડ, મોટામવા, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. જંગલેશ્વર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ અને એસઆરપીના બંદોબસ્ત સાથે ચેકિંગ હાથ ધર્યું હતું. પીજીવીસીએલના જણાવ્યા મુજબ વિજચોરી રોકવા આગામી દિવસોમાં પણ શહેરભરમાં આવી જ સઘન ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.