હવે ગરમીને બ્રેક: 23 મેથી પ્રી-મોન્સૂન એક્ટિવ, વરસાદ નજીક
=> અંબાલાલ પટેલની આગાહી: અરબ સાગર સક્રિય; રાજ્યમાં વરસાદ માટે પરિસ્થિતિ તૈયાર
સિટી ન્યૂઝ@ગાંધીનગર
છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીમાં શેકાઈ રહેલા ગુજરાતના નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીમાં ઘટાડો થવાની અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની મહત્વની આગાહી કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આજથી રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો નીચે ઉતરશે, જેનાથી લોકોને બફારા અને લૂથી મુક્તિ મળશે. મધ્ય ગુજરાતમાં તાપમાન ઘટીને 41 ડિગ્રી અને ત્યારબાદ ધીરે ધીરે 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં પારો 41 થી 42 ડિગ્રીની નીચે રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકોટ અને કચ્છના ભાગોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે.
જોકે, સુરેન્દ્રનગરમાં હજુ પણ ગરમીનું જોર અન્ય વિસ્તારોની સાપેક્ષમાં વધુ જોવા મળી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો જામનગરમાં 35 ડિગ્રી અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરેલી રહેશે.
ગરમીમાં ઘટાડાની સાથે જ રાજ્યમાં વરસાદી માહોલ જામવાની પણ શક્યતા સેવાઈ રહી છે. અંબાલાલ પટેલના મતે 19 થી 23 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદી ઝાપટા પડી શકે છે. અરબ સાગર વધુ સક્રિય થવાને કારણે વરસાદ માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે.
આગામી 22-23 મે દરમિયાન એક નવી સિસ્ટમ સક્રિય થવાની પણ શક્યતા છે. કેરળના કાંઠે ચોમાસું 24-25 મેની આસપાસ દસ્તક દઈ શકે છે, જે બાદ ગુજરાતમાં વિધિવત ચોમાસાની રાહ જોવામાં આવશે. ગરમીથી આંશિક રાહત મળી શકે છે. 48 કલાક બાદ મહત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી સુધી ગગડી શકે છે.