Loading Please Wait !!!
ગુજરાતમાં સરકારી કચેરીઓમાં `વર્ક ફ્રોમ હોમ'?


=> મુખ્યમંત્રીએ દરેક મંત્રીઓને પોતાના વિભાગમાં વર્ક ફ્રોમ હોમની શક્યતાઓ ચકાસવા આદેશ આપ્યા

=> મંત્રીઓ માટેની પાયલોટિંગ કારની સંખ્યામાં ઘટાડો

=> સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે પણ કાર પૂલિંગની સૂચના

=> કેબિનેટ બેઠકમાં ઈંધણ બચત, સરકારી ખર્ચમાં ઘટાડો અને જાહેર પરિવહનને મજબૂત બનાવવાના મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા થઈ


સિટી ન્યૂઝ@ગાંધીનગર

ગાંધીનગરમાં આજે 15મેના મળેલી ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં ઇંધણ બચત, સરકારી ખર્ચમાં ઘટાડો અને જાહેર પરિવહનને મજબૂત બનાવવાના મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને પોતાના વિભાગોમાં ખર્ચ ઘટાડવા માટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા.ખાસ કરીને પેટ્રોલ-ડીઝલના વપરાશ અને સરકારી ખર્ચ ઘટાડવા માટે તાકીદ કરવામાં આવી હતી. જ્યારે દરેક વિભાગને ઓનલાઈન મિંટિગ કરવા સૂચના આપી અને વર્ક ફ્રોમ હોમ ચકાસવા CMએ નિર્દેશ આપ્યો છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આવતીકાલથી રાજ્યમાં જાહેર પરિવહન વધુ મજબૂત બનાવવા માટે 300 નવી ST બસો સીધી સેવામાં મૂકવામાં આવશે. કોઈપણ સમારોહ વિના બસોને સીધા સેન્ટર પરથી દોડતી કરવામાં આવશે જેથી સામાન્ય નાગરિકોને વધુ સગવડ મળી શકે.

મુખ્યમંત્રીએ દરેક મંત્રીઓને પોતાના વિભાગમાં વર્ક ફ્રોમ હોમની શક્યતાઓ ચકાસવા માટે પણ આદેશ આપ્યા છે. જ્યાં શક્ય હોય ત્યાં વર્ચ્યુઅલ માધ્યમથી મિટિંગ અને કામગીરી વધારવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. ગાંધીનગરમાં યોજાતી બેઠકોમાં હવે સરકારી કર્મચારીઓને બિનજરૂરી બોલાવવામાં નહીં આવે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.મુખ્યમંત્રીએ મંત્રીઓને લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેવા કાર્યક્રમોમાં જવાની મંજૂરી આપી છે, પરંતુ આવા કાર્યક્રમોમાં લાંબા સુરક્ષા કાફલા નહીં લઈ જવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ડીઝલ અને પેટ્રોલ બચાવવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. રાજ્યના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે પણ કારપૂલિંગ અંગે સૂચનાઓ આપવામાં આવી છે. 

તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને રાજ્યની જનતાએ પ્રેમપૂર્વક સ્વીકારી છે અને હવે એકથી વધુ કારના બદલે એક જ કારનો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. કેબિનેટ બેઠક પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાના કાફલામાં માત્ર ત્રણ ગાડીઓ સાથે બેઠકમાં પહોંચ્યા હતા. સરકાર દ્વારા મંત્રીઓ માટે પાયલોટિંગ કારની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. રાજ્યના અનેક મંત્રીઓ કારપૂલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરીને સચિવાલય પહોંચ્યા હતા.

તમામ કચેરીઓમાં પાંચ દિવસનું અઠવાડિયું કરવા CMને રજૂઆત

ગુજરાત સરકારમાં 'પાંચ દિવસનું અઠવાડિયું' તથા વર્ક ફ્રોમ હોમ પદ્ધતિ લાગુ કરવા માટે ધ ગુજરાત સચિવાલય ફેડરેશન તથા ગુજરાત રાજ્ય કર્મચારી મહામડળ દ્વારા માગણી ઉઠી છે. આ સંદર્ભે બન્ને યુનિયનો તરફથી મુખ્યમંત્રીને આવેદન પણ પાઠવવામાં આવ્યા છે.આ બન્ને સંગઠનો તરફથી જમાવાયું છે કે, તાજેતરમાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા, વર્ક ફ્રોમ હોમ કલ્ચરનો અમલ કરવા તેમજ તમામ મિટિંગો શક્ય હોય ત્યાં સુધી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પાર પાડવાનું નક્કી થયું છે ત્યારે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં સરકારી કચેરીઓમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ-અધિકારીઓ કામ કરે છે, ત્યારે એમના દ્વારા પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટે, ટ્રાફિકનું ભારણ ઓછું થાય, માનવશક્તિ તથા સમયનો વ્યથ ઘટાડવા માટે કોરોના દરમિયાન જે રીતે વર્ક ફ્રોમ હોમ-ઈ-ઓફિસ-વર્ચ્યુઅલ મિટિંગ પદ્ધતિઓ અમલમાં મૂકાઇ હતી તે રીતે અત્યારે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ફરી સુવ્યવસ્થા લાગુ કરવા સરકારને વિનંતી કરાઇ છે. યુનિયનોએ આ મુજબ મુખ્ય માગણી કરી છે, ભારત સરકાર અને અન્ય રાજ્યોના ધોરણે રાજ્યમાં પણ અગાઉ થયેલી રજૂઆત મુજબ સપ્તાહમાં કામકાજના પાંચ દિવસો કરવામાં આવે, સચિવાલયના વિભાગોમાં કામગીરીની પ્રકૃતિ અનુરૂપ શક્ય હોય ત્યાં તબક્કાવાર વર્ક ફ્રોમ હોમ અથવા હાઇબ્રિડ વર્કિંગ મોડલ અમલમાં મૂકવામાં આવે.