ધારની ભોજશાળા પર હાઈકોર્ટનો ઐતિહાસિક ફેંસલો : મંદિરને-હા મસ્જિદને-ના
=> મધ્યપ્રદેશ હાઈકોર્ટ ઘાટની ભોજશાળા રાજા ભોજે બંધાવેલુ સરસ્વતી મંદિર, કમલો મૌલા મસ્જિદ નહીં
=> મુસ્લિમોને નમાઝની મંજૂરી આપતો આદેશ ફગાવ્યો
સિટી ન્યૂઝ@મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશ હાઈકોર્ટે ધારની ભોજશાળાને વાગ્દેવી મંદિર માન્યું છે. શુક્રવારે આપેલા નિર્ણયમાં હાઈકોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકાર અને ASI એ નિર્ણય લે કે ભોજશાળા મંદિરનું મેનેજમેન્ટ કેવું રહેશે. 1958ના એક્ટ હેઠળ આ પ્રોપર્ટીનું સંપૂર્ણ મેનેજમેન્ટ ASIના હાથમાં જ રહેશે. ન્યૂઝ વેબસાઈટ બાર એન્ડ બેન્ચ મુજબ હાઈકોર્ટે કહ્યું કે ઐતિહાસિક અને સંરક્ષિત જગ્યા દેવી સરસ્વતીનું મંદિર છે. અદાલતે ASIનો 2003નો તે આદેશ પણ રદ કર્યો, જેમાં ASIએ ભોજશાળામાં હિંદુઓને પૂજાનો અધિકાર આપ્યો ન હતો. તે આદેશને પણ ફગાવી દીધો જેમાં મુસ્લિમોને નમાઝ પઢવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.મુસ્લિમ પક્ષ તેને કમાલ મૌલા મસ્જિદ જણાવે છે. કોર્ટે મુસ્લિમ પક્ષને સરકાર પાસેથી મસ્જિદ માટે જમીન માંગવા કહ્યું છે.
હિંદુ પક્ષ: ભોજશાળા પર પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ લાગુ પડતો નથી. આ ASI દ્વારા સંરક્ષિત સ્મારક છે. પ્રાચીન સ્મારક અને પુરાતત્વીય સ્થળ અને અવશેષ અધિનિયમ 1951ની સૂચિમાં ભોજશાળાનું નામ નોંધાયેલું છે. વર્ષ 2024માં અશ્વિની ઉપાધ્યાય કેસમાં આપેલા ન્યાય દૃષ્ટાંતને ભોજશાળા મામલામાં લાગુ કરી શકાય નહીં.
7 એપ્રિલ 2003ના રોજ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશને રદ કરવાની માગ. કોર્ટને વિનંતી કરી કે ભોજશાળાનું ધાર્મિક સ્વરૂપ નક્કી કરીને તેને સંપૂર્ણપણે હિંદુ સમાજને સોંપવામાં આવે. જેથી મા સરસ્વતીની પૂજા અને હવન વર્ષભર અવિરતપણે કરી શકાય.
મુસ્લિમ પક્ષ: વરિષ્ઠ અધિવક્તા શોભા મેનને કોર્ટમાં કહ્યું કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ભોજશાળા મંદિર છે, મસ્જિદ છે કે જૈનશાળા. વિવાદિત સ્થળનું ધાર્મિક સ્વરૂપ નક્કી કરવાનો અધિકાર સિવિલ કોર્ટને છે. હાઈકોર્ટ અનુચ્છેદ 226 હેઠળ રિટ અધિકારક્ષેત્રમાં સુનાવણી કરી રહી છે.
વરિષ્ઠ અધિવક્તા સલમાન ખુર્શીદે ASI સર્વે પર સવાલ ઉઠાવતા કહ્યું કે ઉપલબ્ધ કરાવવામાં આવેલી વીડિયોગ્રાફી સ્પષ્ટ નથી. રંગીન તસવીરો પણ આપવામાં આવી નથી. તેમણે અયોધ્યાના ચુકાદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ત્યાં રામલલા વિરાજમાનની મૂર્તિ હાજર હતી. ભોજશાળામાં કોઈ સ્થાપિત મૂર્તિ નથી.
જૈન સમાજ: જે પ્રતિમા મા વાગ્દેવીની હોવાનું કહેવાય છે, તે જૈન સમુદાયની આરાધ્ય મા અંબિકાની છે. સિહોરમાં મા અંબિકાના મંદિરમાં બરાબર તેવી જ પ્રતિમા છે, જે ભોજશાળામાં મળી હતી. તેને જૈન તીર્થ ઘોષિત કરવું જોઈએ.
ધાર પોલીસ કંટ્રોલ રૂમમાં જિલ્લાભરમાંથી લગભગ 1200 પોલીસકર્મીઓને બોલાવવામાં આવ્યા છે. એસપી સચિન શર્માએ કંટ્રોલ રૂમ પહોંચીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી અને પોલીસ દળને નિર્દેશ આપ્યા. એસપીએ જણાવ્યું કે ધાર શહેરની સુરક્ષા 12 લેયરમાં કરવામાં આવી છે. રિઝર્વ પોલીસ દળ અને રેપિડ એક્શન ફોર્સને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.