Loading Please Wait !!!
દૂધ મોંઘુ; ચાની કીટલીના વેપારીઓનો `નફો ગાયબ'



=> દૂધ બાદ પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો, ચા કડવી બનવાના સંકેત

=> વેપારીઓએ કહ્યું: ગ્રાહકો પાસેથી સીધો ભાવ વધારો વસૂલવા તૈયાર નથી

=> ચાની કીટલીના વેપારીઓ હવે પોતાના નફામાં કપાત સહન કરીને ધંધો ચાલુ રાખવા મજબૂર બન્યા

સિટી ન્યૂઝ@રાજકોટ

શહેરમાં ટી સ્પેશિયલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 3નો વધારો થતા નાના ધંધાર્થીઓ, ખાસ કરીને ચાની ટપ્પરી ચલાવતા વેપારીઓ માટે પરિસ્થિતિ મુશ્કેલ બની ગઈ છે. રોજબરોજના ખર્ચમાં વધારો થતાં ચા બનાવવાની કિંમત વધી ગઈ છે, જ્યારે બીજી તરફ ગ્રાહકોને ચાના ભાવમાં વધારો સ્વીકાર્ય નથી. પરિણામે વેપારીઓ બે તરફથી દબાણમાં આવી ગયા છે.ચાની ટપ્પરીઓ પર રોજિંદા જીવન સાથે જોડાયેલા સેકડો લોકોની અવરજવર રહેતી હોય છે. સવારથી સાંજ સુધી ચાલતા આ ધંધામાં નફાનો માજિન પહેલેથી જ ઓછો હોય છે. આવા સમયમાં દૂધના ભાવમાં થયેલો વધારો વેપારીઓ માટે કમર તોડી નાખે એવો સાબિત થયો છે. ઘણા વેપારીઓ કહે છે કે અગાઉ એક કપ ચા પર થતો નફો હવે લગભગ અડધો થઈ ગયો છે.
વેપારીઓના જણાવ્યા મુજબ, તેઓ ગ્રાહકો પાસેથી સીધો ભાવ વધારો વસૂલવા તૈયાર નથી, કારણ કે તેમ કરવાથી ગ્રાહકો ઓછા થઈ શકે છે. એક ચાવાળાએ કહ્યું કે, અમારે રોજના ગ્રાહકો જ અમારી કમાણીનો આધાર છે. જો અમે 1-2 પણ વધારીએ, તો લોકો અન્ય જગ્યાએ વળી શકે છે. એટલે વેપારીઓ હવે પોતાના નફામાં કપાત સહન કરીને ધંધો ચાલુ રાખવા મજબૂર બન્યા છે.

દૂધ સિવાય ચા બનાવવામાં ઉપયોગી ખાંડ, ગેસ અને અન્ય સામગ્રીના ખર્ચમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ તમામ પરિબળો મળીને ચાની ટપ્પરીઓ માટે આર્થિક સંકટ ઊભું કરી રહ્યા છે. ઘણા નાના વેપારીઓ હવે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે આવી સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહી તો ધંધો બંધ કરવાનો વારો આવી શકે છે.

આર્થિક નિષ્ણાતોના મતે, આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારાનો સીધો પ્રભાવ નાના ધંધાર્થીઓ પર પડે છે. તેઓ પાસે ભાવ નિયંત્રણ કરવાની મર્યાદિત શક્તિ હોય છે, તેથી નફો ઘટે છે અને જીવન જીવવું મુશ્કેલ બને છે. આ પરિસ્થિતિમાં વેપારીઓ સરકાર પાસે રાહત અથવા કોઈ સહાયની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે નાના ધંધાર્થીઓને ટેકો આપવા માટે યોગ્ય પગલાં લેવાશે તો જ તેઓ આ સંકટમાંથી બહાર આવી શકશે.