રાજકોટ સિવિલ હોસ્પિટલનો કદરૂપો ચહેરો ધારાસભ્યો, સાંસદ જોવો આ છે આપણું રાજકોટ !
અર્ધબેભાન દર્દીને સારવારના બદલે ટીંગાટોળી કરી રોડ ઉપર ફેંકી દીધો
સિટી ન્યૂઝ@રાજકોટ
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર વિવાદમાં આવી છે. તંત્રની ઘોર બેદરકારી અને ભારે સંવેદનહીનતાનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી દીધી છે. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા એક અત્યંત અશક્ત અને અર્ધબેભાન દર્દીને માનવતા નેવે મૂકીને હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફે ટીંગાટોળી કરી બહાર રોડ પર ફેંકી દીધો હતો. આ અમાનવીય કૃત્યને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જો કે, આ બાબત સિવિલ સર્જનના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક પગલાં ભરી દર્દીને ફરી દાખલ કરાવ્યો હતો અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
મળતી વિગતો અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના રાજચરાડી ગામેથી ૨ જુલાઈના રોજ વહેલી સવારે ૧.૪૫ વાગ્યે ગણેશ રામલાલ કટારા નામનો ૩૦ વર્ષનો યુવાન ઝેરી દવાની અસર થવાના કારણે અત્યંત ગંભીર હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન ૩ જુલાઈએ સવારે આ યુવાન અર્ધબેભાન અવસ્થામાં પોતાના વોર્ડમાંથી બહાર નીકળી ગયો હતો. રાતભર આ દર્દી OPDની બહાર જ જમીન પર સૂતેલો રહ્યો હતો, પરંતુ હોસ્પિટલના રાઉન્ડ પર રહેલા સ્ટાફમાંથી કોઈની પણ નજર આ અસહાય દર્દી પર પડી ન હતી. ઝેરી દવાની તીવ્ર અસરના કારણે દર્દી પોતાની શુદ્ધબુદ્ધ ગુમાવી બેઠો હતો અને ઓપીડી વોર્ડની બહારના કમ્પાઉન્ડમાં કણસતી હાલતમાં પડ્યો હતો. તેને જોઈને તેને તાત્કાલિક વોર્ડમાં લઈ જઈને સારવાર આપવાની પવિત્ર ફરજના બદલે હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી.
સિક્યુરિટી સ્ટાફે દારૂડિયો ગણી દર્દીને રોડ પર ફેંકી દીધો
સિક્યુરિટીના માણસોએ આ ગંભીર દર્દીને 'દારૂડિયો' ગણાવી દીધો હતો અને સવારે ૭ વાગ્યાની આસપાસ કમ્પાઉન્ડમાં સૂતેલા શ્રમિક યુવાનની નિર્દયતાપૂર્વક ટીંગાટોળી કરી હતી. સ્ટાફે આ અર્ધબેભાન શ્રમિકને હોસ્પિટલની બિલકુલ સામે આવેલી SBI બેંકના ગેટ નજીક ફૂટપાથ પર મરવા માટે ફેંકી દીધો હતો. આટલું મોટું પાપ કર્યા પછી પણ સિક્યુરિટી સ્ટાફ જાણે કંઈ જ બન્યું ન હોય તેમ ત્યાંથી રવાના થઈ ગયો હતો.
નેતાઓને પ્રજાની કોઈ પડી નથી એટલે જ સિવિલ હોસ્પિટલમાં ક્રૂરતા ચરમસીમાએ: સિવિલમાં સેવાના નામે શરમજનક હરકત !
જાગૃતિ નાગરિકે અધિક્ષકનું ધ્યાન દોર્યું
આ હૃદયદ્રાવક અને શરમજનક ઘટના સવારે ત્યાંથી પસાર થતા અનેક નાગરિકોએ નજરે નિહાળી હતી. જ્યારે કેટલાક લોકોએ સિક્યુરિટી સ્ટાફને પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે સ્ટાફે આ દર્દી નશાની હાલતમાં હોવાનું કહીને વાતને હસવામાં ઉડાવી દીધી હતી. જોકે, સવારે જ્યારે સિવિલ સર્જન ડો. મોનાલી માકડીયા હોસ્પિટલના રૂટિન રાઉન્ડમાં નીકળ્યા, ત્યારે કોઈ જાગૃત નાગરિકે આ સમગ્ર અમાનવીય ઘટના અંગે તેમનું ધ્યાન દોર્યું હતું. ઘટનાની ગંભીરતા સમજીને ડો. મોનાલી માકડીયાએ તાત્કાલિક સ્થળ ઉપર હાજર સિક્યુરિટી સ્ટાફ અને અન્ય કર્મચારીઓનો ભારે ઉધડો લીધો હતો અને તેમને ખૂબ જ ખખડાવી નાખ્યા હતા. તેમણે તાત્કાલિક રોડની ફૂટપાથ પર કણસતા દર્દીને ઇમરજન્સી વોર્ડમાં ખસેડી ફરીથી સારવાર શરૂ કરાવી હતી. આ બાબત મારા ધ્યાનમાં આવતા તરત જ દર્દીને ફરી દાખલ કરી સારવાર શરૂ કરાવી દેવામાં આવી છે.