Loading Please Wait !!!
રાજકોટનું ભાગ્ય ખૂલશે ? રાજકોટથી રાજ્યસભા સાંસદમાં અંજલીબેન રૂપાણી-કેતન મારવાડી ચર્ચામાં ?

=> અમિત શાહ ગુજરાતમાં, રાજ્યસભાના નામો પર છેલ્લી મુહર નજીક !

=> જૂનમાં ચૂંટણી પહેલાં ભાજપમાં નામોને લઈ અટકળો તેજ

=> સૌરાષ્ટ્રને મળશે હિસ્સો ? રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું

=> રાજકોટ રાહ જુએ છે, નિર્ણય હવે દિલ્હી કરશે !

સિટી ન્યૂઝ@રાજકોટ

જૂન મહિનામાં યોજનારી રાજ્યસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય ચકચાર તેજ બની છે. રાજ્યની ચાર બેઠકો માટે ઉમેદવારોની પસંદગી થવાની છે, ત્યારે સૌરાષ્ટ્ર ખાસ કરીને રાજકોટને ફરી પ્રતિનિધિત્વ મળશે કે નહીં તે મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. રાજકોટને અગાઉ રાજ્યસભામાં પ્રતિનિધિત્વ મળતું રહ્યું છે. સ્વ. વિજય રૂપાણી બાદ સ્વ. અભય ભારદ્વાજ અને ત્યારબાદ રામ મોકરિયા જેવા નેતાઓ રાજ્યસભામાં પહોંચ્યા હતા. પરંતુ હાલની પરિસ્થિતિમાં રાજકોટ ભાજપ સંગઠન અથવા સરકારમાં કોઈ મોટા હોદ્દા પર પ્રતિનિધિત્વ ન હોવાને કારણે ફરી તક મળશે કે નહીં તે અંગે સવાલો ઉભા થયા છે.

રાજકીય વર્તુળોમાં હાલમાં કેટલાક નામો ચર્ચામાં છે. તેમાં મારવાડી ગ્રુપ સાથે સંકળાયેલા કેતન મારવાડી અને અંજલિબેન રૂપાણીના નામોને લઈને અટકળો તેજ બની છે. સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્યસભાની ચૂંટણીમાં પ્રદેશ અને સામાજિક સંતુલન જાળવવા માટે કાઠિયાવાડમાંથી ખાસ કરીને રાજકોટને પ્રતિનિધિત્વ આપવાની સંભાવના પણ જોવામાં આવી રહી છે. દેશના ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે, જેના કારણે રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બની છે. આ મુલાકાત દરમિયાન રાજ્યસભાના ઉમેદવારોના નામોને લઈને અંતિમ ચર્ચાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાર્ટી સંગઠન સ્તરે પણ મહામંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ વચ્ચે બેઠકો અને ચર્ચાઓ તેજ બની હોવાનું જાણવા મળે છે.

ગુજરાતમાંથી રાજ્યસભાની ચાર બેઠકો માટે ભાજપના અનેક દાવેદારો મેદાનમાં છે. પરંતુ અંતિમ પસંદગીમાં પ્રદેશીય સંતુલન, રાજકીય સમીકરણો અને સંગઠનના હિતોને ધ્યાનમાં રાખવામાં આવશે. એવા સંજોગોમાં સૌરાષ્ટ્ર અને રાજકોટને પ્રતિનિધિત્વ આપવું કે નહીં એ નિર્ણય મહત્વપૂર્ણ બની રહ્યો છે. હાલ નામોને લઈને માત્ર અટકળો ચાલી રહી છે, પરંતુ રાજકીય ગતિવિધિઓને જોતા ટૂંક સમયમાં ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા છે. રાજકોટને ફરી રાજ્યસભામાં સ્થાન મળશે કે નહીં તે હવે ભાજપના ટોચના નેતૃત્વના અંતિમ નિર્ણય પર નિર્ભર છે.