રાજકોટના મેયર કોણ કાલે જાહેરાત
> પાવર ગેમ : હાઈકમાન્ડ નામો બંધ કવરમાં સવારે આપશે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાપાલિકાના નવી ટર્મના પદાધિકારીઓ આવતીકાલ તા. ૨૮ મેના રોજ પદગ્રહણ કરવાના છે. ચૂંટણી બાદ લાંબા સમયે મેયર-ચેરમેન-ડે.મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂંક થવાની છે. હવે છેલ્લા બે મહિનામાં યુદ્ધના કારણે દેશ-દુનિયામાં સંજોગો બદલાઈ ગયા છે. કરકસરની વડાપ્રધાનની અપીલ બાદ સરકારી ખાતાઓમાં તો વાહનોના ઉપયોગ પર નિયંત્રણ સહિતની પહેલ શરૂ કરવામાં આવી છે.પરંતુ સાથોસાથ પેટ્રોલ-ડિઝલ અને ગેસના ભાવ ભડકે બળતા સામાન્ય માણસ મોંઘવારીમાં પીસાવા લાગ્યો છે. આ સંજોગોમાં હવે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેટલી કસરકસર કરે છે તેની ઉપર પણ જાગૃત લોકોની નજર છે.કોર્પો.માં વર્ષો પહેલા મેયર, ડે.મેયર, ચેરમેનને ગાડીની સુવિધા મળતી હતી. તે બાદ શાસક નેતાને કાર આપવામાં આવી. ગત ટર્મમાં ખાસ કિસ્સામાં દંડકને પણ અલગ કાર આપવામાં આવતા મુખ્ય પાંચે પાંચ પદાધિકારીઓ મોટર કારની મોંઘી સુવિધા ભોગવે છે.
અમદાવાદના મેયરે ચાર્જ સંભાળતા જ સરકારી ગાડીનો ઉપયોગ ન કરવા જાહેરાત કરી છે, હવે રાજકોટમાં નવા પદાધિકારીઓ શું વલણ અપનાવે છે, કોર્પોરેટરો અને અધિકારીઓ સીટી બસના ઉપયોગ કરશે કે નહીં તે સહિતની અપેક્ષા સાથેની ચર્ચા નાગરિકો કરી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકામાં મેયર કોણ બનશે તેના કરતા પણ વધુ હોટ ચર્ચા સ્થાયી સમિતિના ચેરમેન કોણ બનશે તેના વિશે થઈ રહી છે કારણ કે, ચેરમેન પદને મેયર કરતા પણ વધુ પાવરફુલ માનવામાં આવી રહ્યું છે. કોર્પોરેશનના તિજોરીની અસલી ચાવી ચેરમેન પાસે જ હોય છે કારણ કે, કરોડો રૂપિયાના વિકાસના કામોની મંજૂરી તેઓના હાથમાં હોય છે. ત્યારે આ પદ મેળવવા માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. ચેરમેન પદ મેળવવા માટે ગાંધીનગર ખાતે ગોડફાધરની શરણ મેળવી લોબિંગ ચલાવવામાં આવી રહ્યું છે.
આ નામોની ભારે ચર્ચા
» નેહલ શુક્લ
» અશ્વિન ભોરાણિયા
» કિશન ટીલવા
» દિલીપ લુણાગરિયા
» પરેશ પીપળિયા
» મહેશ પીપળિયા
» દક્ષાબેન વસાણી
» કેતન પટેલ
» અનિલ ચૌહાણ
» નરેન્દ્રસિંહ જાડેજા
» રસિલાબેન સાકરીયા
» ઘનશ્યામ હેરભા