સત્કાર સમારોહમાં શરમજનક દ્રશ્ય : જાહેરમાં મહિલા સાથે ખરાબ વર્તન
=> મોરબી કોંગ્રેસમાં ખૂલ્લી લડાઈ મહિલા પ્રમુખના અપમાનથી ઘમાસાણ !
=> પ્રદેશ કોંગ્રેસના પ્રભારી બિપેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ
સિટી ન્યૂઝ@મોરબી
મોરબી જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખના સત્કાર કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને બબાલ સર્જાતા રાજકીય માહોલ ગરમાયો છે. સમગ્ર ઘટનામાં મહિલા કોંગ્રેસના પ્રમુખ સાથે થયેલા વર્તનને લઈ કોંગ્રેસ સંગઠનમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે.
માહિતી મુજબ સત્કાર કાર્યક્રમ દરમિયાન મહિલા કોંગ્રેસના પ્રમુખ હારતોરા માટે આગળ વધતા પ્રદેશ કોંગ્રેસના પ્રભારી બિપેન્દ્રસિંહ જાડેજાએ તેમને અટકાવ્યા હોવાના આક્ષેપો થયા છે. આ દરમિયાન પ્રભારીએ કથિત રીતે “પ્રોટોકોલ મુજબ જ હારતોરા થશે, બાકી થાય એ કરી લેવાનું” જેવા શબ્દો ઉચ્ચારતા મહિલા આગેવાન તથા ઉપસ્થિત કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો હતો.
મહિલા કોંગ્રેસના પ્રમુખે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, “સત્કાર સમારોહ દરમિયાન કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તેમજ મીડિયાના મિત્રો વચ્ચે મારું અપમાન કરવામાં આવ્યું છે, જે મારા માટે નીચે જોવા સમાન અને અત્યંત દુખદ બાબત છે.” આ ઘટનાને માત્ર વ્યક્તિગત અપમાન નહીં પરંતુ મહિલા શક્તિ અને વરિષ્ઠ આગેવાનના સન્માન પર આઘાત ગણાવી મોરબી મહિલા કોંગ્રેસ તથા સ્થાનિક મહિલા કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
મહિલા કોંગ્રેસના પ્રમુખ સિનિયર સિટીઝન હોવા છતાં જાહેર કાર્યક્રમમાં તેમની સાથે થયેલા વર્તનને લઈને અનેક કાર્યકરોએ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. ઘટના બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને લેખિત ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ફરિયાદમાં પ્રભારી વિરુદ્ધ શિસ્તભંગ અને મહિલા આગેવાનોના અપમાનના મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.