અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમે :તથ્ય પટેલને જામીન મળ્યા
=> તથ્યની કારથી ૯ લોકોના મોત થયા હતા: પોણા ત્રણ વર્ષ પછી રેગ્યુલર જામીન પર બહાર
સિટી ન્યૂઝ@અમદાવાદ
સુપ્રીમ કોર્ટે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને નિયમિત જામીન આપ્યા છે. તથ્યના વકીલે કરી વાતની પુષ્ટિ કરી છે.લગભગ પોણા ત્રણ વર્ષ પછી તથ્ય જેલમાંથી રેગ્યુલર જામીન ઉપર બહાર આવશે. સુપ્રીમ કોર્ટે અગાઉ ફેબ્રુઆરી મહિનામાં ટ્રાયલ કોર્ટને બે મહિના સુધીમાં ૨૫ સાહેદ તપાસવા સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, ૧૮ નવેમ્બર ૨૦૨૫ના રોજ તથ્ય સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો હતો. તથ્ય પટેલની જામીન અરજી તેના વકીલ આઈ.એચ.સૈયદ અને ઝીલ શાહે સુપ્રીમ સમક્ષ રજૂ કરી હતી. ૧૯૧ સાક્ષી પૈકી આંખે દેખ્યા લગભગ ૨૯ જેટલા સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ હોવાની સુપ્રીમ સમક્ષ રજૂઆત કરી હતી.
જ્યારે બાકીના સાક્ષીઓ તપાસવાના બાકી છે. સુપ્રીમે નોંધ્યું કે તથ્ય ઉપર IPC ૩૦૪ની કલમ લાગેલી છે ,પરંતુ હજુ સુધી તે તેમાં દોષિત ઠર્યો નથી તથ્યએ લગભગ ૦૨ વર્ષ અને ૧૦ મહિના જેલમાં કાઢ્યા છે.જ્યારે મૃતકોના પરિવારને વળતર વિશે સુપ્રીમે કહ્યું કે, અત્યારે ટ્રાયલ ચાલુ હોવાથી વળતર બાબતે નિર્ણય તેને અસર કરી શકે છે. અમદાવાદના સાબરમતી RTO દ્વારા ટ્રાફિક પોલીસની ભલામણના આધારે તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ આજીવન (જીવનભર માટે) સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. લાયસન્સ કાયમી ધોરણે રદ થવાને કારણે તે હવે ભારતમાં સત્તાવાર રીતે ક્યારેય પણ કોઈ વાહન ચલાવી શકશે નહીં.