Loading Please Wait !!!
તંત્ર નિષ્ક્રિય, નેતાઓ મૌન : રાજકોટની જનતા જીવાતવાળું પાણી પીવા મજબૂર

=> તંત્ર સુતું અને જનતા ત્રસ્ત : ગંદા પાણીથી વેલનાથપરામાં હાહાકાર

=> નેતાઓના વચનો ગાયબ, રાજકોટમાં ઝેરી પાણીથી પ્રજા ત્રસ્ત

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડ વિસ્તારોમાં ક્લોરિન યુક્ત પાણી વિતરણ કરવામાં આવી રહ્યાનો દાવો પોકળ સાબિત થતો હોય તેમ દિવસે દિવસે દૂષિત, દુર્ગંધ યુક્ત પાણી વિતરણની ફરિયાદો સતત વધી રહી છે. તાજેતરમાં વોર્ડ નંબર ૧૦ના જીવનનગર સહિતની ૧૦ જેટલી સોસાયટીમાં પણ દૂષિત પાણીનું વિતરણ થતું હોવાની ફરિયાદ સાથે સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા હતા. ત્યારે હવે વોર્ડ નંબર ૪ના આખા વેલનાથ પરા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી જીવાત વાળું દુષિત અને દુર્ગંધ મારતું પાણી વિતરણની ફરિયાદ સાથે મહિલાઓ એકઠી થઈ હતી અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, હવે શહેરના વોર્ડ નંબર ૪માં સમાવિષ્ટ આખેઆખા વેલનાથપરા વિસ્તારમાં છેલ્લા ૩ દિવસથી નળ વાટે અત્યંત જીવાતવાળું, ભારે દૂષિત અને અસહ્ય દુર્ગંધ મારતું પાણી વિતરણ થઈ રહ્યું છે. આ અતિશય દૂષિત પાણીના વિતરણની ગંભીર ફરિયાદ સાથે આ વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં એકઠી થઈ ગઈ હતી અને પાણીના વાસણો સાથે રાખીને તંત્ર સામે પોતાનો ઉગ્ર આક્રોશ અને ભારે રોષ વ્યક્ત કર્યો હતો.સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે, ઘરોમાં જે પાણી આવી રહ્યું છે તેમાં નરી આંખે જોઈ શકાય તેવી જીવાતો અને ઈયળો તણાતી આવે છે. આવું ગંદું પાણી રસોઈ કરવા કે પીવાના ઉપયોગમાં લેવું તો દૂર, અન્ય ઘરકામમાં વાપરવા લાયક પણ રહ્યું નથી. છેલ્લા ૩ દિવસથી આખો વિસ્તાર આ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યો છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.

ક્લોરિન યુક્ત પાણીનાં વિતરણની વાતો પોકળ હોવાનો પૂર્વ કોર્પોરેટરનો આરોપ

વોર્ડ નંબર ૪ના પૂર્વ કોર્પોરેટર ઠાકરશીભાઈ ગજેરાએ જણાવ્યા મુજબ વોર્ડ નંબર ૪ના આખાં વેલનાથ પરા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી જીવાત વાળું દુષિત અને દુર્ગંધ મારતું પાણી નળ વાટે વિતરણ કરવામાં આવે છે. જે પાણી જરાપણ પીવા લાયક નથી. મહાપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં ક્લોરિન યુક્ત પાણી વિતરણ થતું હોવાનો દાવો કરવામાં આવે છે. પણ આ ખાલી કહેવા પૂરતી અને કાગળમાં બતાવવા પૂરતી જ કામગીરી છે.વેલનાથપરામાં જીવાત વાળું દુષિત અને દુર્ગંધવાળું પાણી વિતરણ થતુ હોવાની મહાનગર પાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા ત્રણ દિવસથી કોઈ જ કામગીરી કરવામાં આવી ન હોવાનો રોષ તેમણે વ્યક્ત કર્યો હતો. આ પ્રકારનું ગંદું પાણી પીવાથી વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે. હાલમાં પણ ઘરે-ઘરે તાવ અને ઝાડા-ઉલટીનાં દર્દીઓ હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. અને આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટેની માંગ કરી હતી.