Loading Please Wait !!!
પોપટપરામાં વીજ તાંડવ AC, ફ્રીજ, પંખા બળીને ખાખ

PGVCLની બેદરકારીથી 80 પરિવારોને આવી આર્થિક નુકસાની

લત્તાવાસીઓનું પીજીવીસીએલ કચેરીમાં હલ્લાબોલ લાઈટબિલનો બૉયકોટનું એલાન

સિટી ન્યૂઝ@રાજકોટ

પીજીવીસીએલના માધાપર સબ ડિવિઝન હેઠળ આવતા પોપટપરા વિસ્તારમાં હાઇ વોલ્ટેજના કારણે સ્થાનિકોના એસી ટીવી ફ્રીજ પંખા સહિતના વીજ ઉપકરણો બળીને ખાખ થઈ ગયા છે. આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઇ જાતનો ઉકેલ નહીં આવતા આજે ૬૦ થી ૭૦ પરિવારો માધાપર સબ ડિવિઝન ખાતે હલ્લાબોલ કર્યો હતો અને વીજ કંપની દ્વારા થતી હાલાકીની વ્યથા ઠાલવી હતી તેમજ આગામી દિવસોમાં નિરાકરણ નહીં આવે તો વીજબિલ નહિ ભરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

માધાપર સબ ડિવિઝન ખાતે વિરોધ પ્રદર્શન કરતા પોપટપરાના રહીશોએ જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનાથી વીજ લાઇનમાં પાવર ડીમ-ફૂલ થતો હોવાની પીજીવીસીએલ માં અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી છતાં આજદિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી જ્યારે પણ રજૂઆત કરીએ ત્યારે ગાડી નીકળી ગઇ છે તેવો જવાબ આપવામાં આવે છે પરંતુ આજ દિન સુધી ગાડી પોપટ પરામાં પહોંચી જ નથી તેથી સમસ્યા યથાવત રહેતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાવર ડીમ-ફૂલ થવાના કારણે ઘરમાં રહેલા વીજ ઉપકરણોને પણ નુકસાન થવા પામ્યું છે જેમાં હાઇ વોલ્ટેજના કારણે ફ્રીજ ટીવી વોશિંગ મશીન પંખા જેવા ઇલેક્ટ્રિક સાધનો બળીને રાખ થઇ ગયા છે છેલ્લા ત્રણ દિવસથી પોપટપરાના રહીશો આ સમસ્યાનો વધુ સામનો કરી રહ્યા છે નવા લાવેલા ઉપકરણો પણ બળીને ખાખ થઇ ગયા છે.

વધુમાં જણાવ્યું હતું કે પીજીવીસીએલમાં વારંવાર કમ્પ્લેઇન કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ જ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.