પાવાગઢ ડુંગર પર પથ્થર ગબડતા 2 યાત્રિકોના મોત : 5ને ગંભીર ઈજા
- વરસાદના પાણીના પ્રવાહને કારણે બની ઘટના
- પાવાગઢના સરપંચ, સ્થાનિક પોલીસ પ્રશાસન, ફાયર બ્રિગેડ અને બચાવ ટુકડીઓ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગઈ હતી
સીટી ન્યૂઝ@પંચમહાલ
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગત રાત્રિના ભારે વરસાદ બાદ આજે વહેલી સવારે ૫:૦૦ વાગ્યાની આસપાસ એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. માચીથી ડુંગર તરફ જતા માર્ગ પર પાટિયાપુલ નજીક અચાનક એક વિશાળ ભેખડ ધસી પડતાં ભારેખમ પથ્થરો નીચે પસાર થઈ રહેલા યાત્રાળુઓ દબાયા હતા. આ કાળમુખી ઘટનામાં ૨ શ્રદ્ધાળુઓનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૫ યાત્રાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સમગ્ર યાત્રાધામ પરિસરમાં અફરાતફરી અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.
મુસાફરો પર પથ્થરો પડવાની આ ઘટનાની જાણ થતાં જ પાવાગઢના સરપંચ, સ્થાનિક પોલીસ પ્રશાસન, ફાયર બ્રિગેડ અને બચાવ ટુકડીઓ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. રેસ્ક્યુ ટીમે ભારે જહેમત ઉઠાવીને પથ્થરો નીચે દબાયેલા તમામ યાત્રાળુઓને બહાર કાઢ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાબડતોબ હાલોલની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, મૃતક યાત્રાળુઓનાં શબોને કાયદેસરની કાર્યવાહી માટે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અપાયા છે. પ્રાથમિક વિગતો અનુસાર, આ દુર્ઘટનાના ભોગ બનેલા તમામ મુસાફરો અમદાવાદ અને સુરત જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે.
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, કુલ ૭ ઈજાગ્રસ્તોમાંથી ૨ લોકોને સામાન્ય ઈજાઓ હોવાથી પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવામાં આવી છે, જ્યારે બાકીના ૨ શ્રદ્ધાળુઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મૃતકોમાં પ્રણવસિંહ છત્રસિંહ પરમાર (ઉંમર: ૫૨ વર્ષ, રહે. લલુપુરા, તા. કઠલાલ), ગુણવંતસિંહ ભવાનસિંહ પરમાર (ઉંમર: ૪૦ વર્ષ, રહે. લલુપુરા, તા. કઠલાલ)નો સમાવેશ થાય છે. જ્યારે પૃથ્વીરાજ ભુપેન્દ્રસિંહ ડાભી (ઉંમર: ૨૮ વર્ષ, રહે. જાલબાઈની મુવાડી, અમદાવાદ), મગનભાઈ રમણભાઈ ડાભી (ઉંમર: ૪૮ વર્ષ, રહે. જાલબાઈની મુવાડી, અમદાવાદ), જય અશોકભાઈ કુંભાણિયા (ઉંમર: ૧૬ વર્ષ, રહે. કતારગામ, સુરત), જયેશભાઈ ધનજીભાઈ (ઉંમર: ૩૧ વર્ષ, રહે. કતારગામ, સુરત)વાળાઓને ઈજા પહોંચી છે.