Loading Please Wait !!!
જેલ કે બેલ અનિરુદ્ધસિંહ જાડેજાનું ભવિષ્ય હવે સરકારી કમિટીના નિર્ણય પર !

  • ખૂંટ કેસમાં રાહત; પણ પોપટ સોરઠિયા હત્યા કેસે અટકાવ્યો રસ્તો
  • અમિત ખૂંટ કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહને હાઈકોર્ટે જામીન આપ્યા

સિટી ન્યૂઝ@રાજકોટ

અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા (રીબડા) ને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપતા રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે. જો કે, ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાની હત્યા કેસમાં તેઓ આજીવન કેદની સજા ભોગવતા હોવાથી હાલ તેમને જેલના સળિયા પાછળ જ રહેવું પડશે. જામીન મળવા છતાં અનિરુદ્ધસિંહ જાડેજાને ‘જેલ કે બેલ’ મળશે, તેનું અંતિમ ભવિષ્ય હવે માત્ર સરકારી કમિટીના નિર્ણય પર જ નિર્ભર છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસ મથકે મે ૨૦૨૫ માં અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે રાજદીપસિંહ, અનિરુદ્ધસિંહ અને અન્ય ૨ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ૧૦ મહિનાથી જેલમાં રહેલા અનિરુદ્ધસિંહને જામીન તો મળી ગયા, પરંતુ અગાઉ જૂનાગઢ અને હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ અનિરુદ્ધસિંહનો જેલવાસ યથાવત રહેશે.

પોપટ સોરઠિયા હત્યા કેસનો ઈતિહાસ ઘણો લાંબો અને ચકચારી છે. ૧૫ ઓગસ્ટ ૧૯૮૮ ના રોજ ગોંડલની સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં અનિરુદ્ધસિંહે ફાયરિંગ કરી પોપટ સોરઠિયાની હત્યા કરી હતી. ૧૯૯૪ માં ગોંડલ સેશન્સ કોર્ટે તેમને પુરાવાના અભાવે છોડી મૂક્યા હતા. પરંતુ સરકારે ટાડા (TADA) એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતા, ૧૦ જુલાઈ ૧૯૯૭ ના રોજ સુપ્રીમ કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. સજા પડ્યા બાદ ૩ વર્ષ ફરાર રહેલા અનિરુદ્ધસિંહની ૨૦૦૦ ની સાલમાં ધરપકડ થઈ હતી.

વર્ષ ૨૦૧૮ માં અનિરુદ્ધસિંહના પુત્રએ તત્કાલીન જેલ આઈજી ટી.એસ બિષ્ટને પત્ર લખી સજા માફીની વિનંતી કરી હતી, જેને ગ્રાહ્ય રાખી તેમને મુક્ત કરાયા હતા. આ માફી સામે પોપટ સોરઠિયાના પુત્રએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી અને હાઈકોર્ટે સજા માફી રદ કરી દીધી. આ હુકમને સુપ્રીમ કોર્ટે પણ યથાવત રાખતા અનિરુદ્ધસિંહે ૧૯ સપ્ટેમ્બરે ગોંડલ કોર્ટમાં સરેન્ડર કરવું પડ્યું અને તેમને જૂનાગઢ જેલમાં મોકલાયા હતા. જ્યારે તેઓ જૂનાગઢ જેલમાં હતા, ત્યારે જ અમિત ખૂંટ આપઘાત કેસમાં ગોંડલ તાલુકા પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે તેમનો કબજો મેળવ્યો હતો. ૨૦ સપ્ટેમ્બરે કોર્ટમાં રજૂ કરી ૨ દિવસના રિમાન્ડ લેવાયા અને ૨૨ સપ્ટેમ્બરે રિમાન્ડ પૂરા થતા ફરી જેલહવાલે કરાયા હતા.

10 મહિનાથી જેલમાં પહેલા જૂનાગઢ જેલ બાદ હાલ અમદાવાદ સાબરમતી જેલમાં

હવે અમિત ખૂંટ કેસમાં જામીન મળવા એ કાનૂની રાહત જરૂર છે, પરંતુ હત્યા કેસની આજીવન કેદના કારણે જેલનો રસ્તો અટક્યો છે. આગામી સમયમાં સજા માફી માટે બેસનારી સરકારી કમિટી શું નિર્ણય લે છે, તેના પર જ અનિરુદ્ધસિંહની આખરી મુક્તિનો ફેંસલો નક્કી થશે.