પૂર્વ ચેરમેન પુષ્કર પટેલે પાસ કરેલું ટેન્ડર ત્યારે કેમ ના અટકાવ્યું ?
- રાજકોટ મનપામાં ટેન્ડર ગોટાળો ? TECથી કમિશનર સુધી આખી ચેઈન સવાલોમાં !
- કમિશનર ગમે તે ટેન્ડર મોકલે તેનો અભ્યાસ તો અંતે સ્ટેન્ડિંગ કમિટીએ જ કરવાનો હોય છે !
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના સાંસ્કૃતિક વિકાસ વિભાગમાં ૨૦૨૩ દરમિયાન બહાર પાડવામાં આવેલા ટેન્ડર પ્રક્રિયા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. નિયમ મુજબ ટેન્ડરમાં ટેકનિકલ કવોલિફિકેશન અને પ્રાઈઝલિસ્ટના આધારે એજન્સીની પસંદગી થવાની હોય છે, પરંતુ સમગ્ર પ્રક્રિયામાં થયેલી સંભવિત ક્ષતિઓ હવે ચર્ચાનો વિષય બની છે. માહિતી મુજબ, ઉપસ્થિત થયેલ ભાવોમાં ક્ષતિ હોવા છતાં તે ધ્યાનમાં લેવામાં આવી ન હોવાના આક્ષેપો સામે આવ્યા છે. નિયમ પ્રમાણે આ બાબતની જવાબદારી સૌથી પહેલાં કમિશનર બ્રાન્ચ પર આવે છે. આશ્ચર્યજનક રીતે, ટેન્ડર ઈવેલ્યુએશન કમિટી (TEC) જે તમામ ટેન્ડરોનું મૂલ્યાંકન કરે છે, તે તરફથી પણ કોઈ સુધારા કે વાંધો નોંધાયો નથી. જેના કારણે TECની કામગીરી પર પણ ગંભીર પ્રશ્નાર્થ ઉભો થયો છે.
=> સમજો કેવી રીતે ચાલે છે ટેન્ડર પ્રક્રિયા ?
સામાન્ય રીતે ટેન્ડર પ્રક્રિયામાં પ્રથમ ટેકનિકલ બિડ ખોલવામાં આવે છે, જેમાં એજન્સીની લાયકાત તપાસવામાં આવે છે. કવોલિફાય થયેલી એજન્સીઓની પ્રાઈઝ બિડ બાદમાં ખોલવામાં આવે છે અને તેમાં સૌથી ઓછો ભાવ (L1) આપનાર એજન્સીને ટેન્ડર ફાળવવામાં આવે છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શાખા અધિકારી દરખાસ્ત તૈયાર કરી સહાયક કમિશનર, ત્યારબાદ નાયબ કમિશનર અને અંતે કમિશનર બ્રાન્ચ સુધી મંજૂરી માટે મોકલે છે. કમિશનર બ્રાન્ચ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવે છે, જ્યાં અંતિમ ઠરાવ પસાર થાય છે.
=> ક્યાં ઉઠ્યા સવાલો?
ભૂતકાળમાં આવી દરખાસ્તો અટકાવવામાં આવી હતી. ભૂતકાળમાં BI પાઈપલાઈન જેવા કેસોમાં ગેરવાજબી ભાવો સામે આવતા સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્તોને નામંજૂર કે હોલ્ડ પર મૂક્યા હતા. છતાં આ કેસમાં તેવી કાર્યવાહી કેમ ન થઈ તે મુદ્દે ચર્ચા તેજ બની છે.
=> ચૂકવણી પ્રક્રિયા પણ ચર્ચામાં
ઈવેન્ટ પૂર્ણ થયા બાદ એજન્સીઓ દ્વારા બિલ રજૂ કરવામાં આવે છે અને મંજૂરી બાદ ચૂકવણી કરવામાં આવે છે. પરંતુ જો મૂળ ટેન્ડર પ્રક્રિયામાં જ ખામી રહી હોય, તો આવી ચૂકવણી પર પણ સવાલો ઉભા થાય છે.